નાઈરોબીઃ કેન્યામાં કોમ્યુનિટી આધારિત સંસ્થા ‘ઉસિકિમ્યે (Usikimye)’ દ્વારા સ્ત્રીઓ વિરુદ્ધ હિંસાનો અંત લાવવાનું મિશન હાથ ધરાયું છે. આ સંસ્થાના નામનો અર્થ સ્વાહિલી ભાષામાં ‘ચૂપ બેસી ન રહો’ થાય છે. કેન્યાની એન્જેરી મિગ્વી સેક્સ્યુઅલ અને જેન્ડર આધારિત હિંસા (SGBV)ના વધતા પ્રમાણ સામે અવાજ ઉઠાવતી આ સંસ્થાની સહસ્થાપક છે. એન્જેરી મિગ્વી કહે છે કે તે ખુદ જેન્ડર આધારિત હિંસાનો શિકાર બનેલી છે. અન્યોને મદદ કરવામાં તેને પોતાની જાતને મદદ કર્યાનો આનંદ થાય છે.
કેન્યા સરકરારના રિપોર્ટ્સ મુજબ 2024ની શરૂઆતથી લગભગ 60 સ્ત્રીઓની હત્યા કરાઈ છે. મિગ્વી અને અન્ય ફેમિનિસ્ટ્સ અને બિનસરકારી જૂથોએ જાન્યુઆરી મહિનામાં આ હત્યાઓના વિરોધમાં કેન્યાના મુખ્ય શહેરો અને ટાઉન્સમાં સ્ત્રીહત્યાવિરોધી દેખાવો યોજ્યાં હતાં. દેશમાં સેક્સ્યુઅલ અને જેન્ડર આધારિત હિંસા વિરોધી આ સૌથી મોટા સામૂહિક આંદોલનમાં હજારો લોકો સામેલ થયા હતા. જોકે, સ્ત્રીહત્યાનું પ્રમાણ વધતું રહેવાથી તેમજ દરરોજ હિંસાના નવા કેસ આવવાથી મિગ્વી અને સાથીદારો અસંતુષ્ટ છે.
એન્જેરી મિગ્વી કહે છે કે પુરુષ જેવા જીન્સ અને હૂડીના વસ્ત્રો પહેરવાના કારણે તેની એમ્પ્લોઈનો જાન લેવાનો પ્રયાસ કરાયો હતો. મિગ્વી મુખ્યત્વે સ્ત્રીઓ પ્રતિ હિંસાની ઘટનાઓને સામાન્ય ગણવાના સામાજિક નિયમો પર દોષ નાખે છે. આ ઉપરાંત, દેશનું કાનૂની માળખું પણ પીડિતોને ન્યાય અપાવવામાં ઢીલાશ દાખવે છે અને સરકાર પગલાં લેવામાં નિષ્ક્રિય રહે છે તેમ મિગ્વી માને છે. મિગ્વી અને અન્ય સંસ્થાઓએ હિંસાપીડિત સ્ત્રીઓને સ્વર્ગ જેવું વાતાવરણ આપવા માટે સેફ-હાઉસીસ ઉભાં કર્યાં છે.
‘ઉસિકિમ્યે’ કોમ્યુનિટીઓમાં બાળકો માટે સપ્તાહમાં ત્રણ દિવસ ફીડિંગ પ્રોગ્રામ્સ જેવી અન્ય પ્રવૃત્તિઓ પણ હાથ ધરે છે. શિકારીઓ બાળકોને લલચાવવા ખોરાક આપતા હોવાથી બાળકોને બચાવવા આ ફીડિંગ પ્રોગ્રામ કરવામાં આવે છે. ‘ઉસિકિમ્યે’ હિંસાપીડિત સ્ત્રીઓ માટે કાનૂની સલાહ અને તબીબી સહાય પણ પૂરાં પાડવામાં પણ મદદ કરે છે.