નાઇરોબીઃ હાલમાં જ સમગ્ર કેન્યામાં ત્રણ કલાક વીજળી ગુલ થઈ ગઈ હતી, આ બ્લેકઆઉટ પાછળ વીજકંપનીએ જે કારણ જાહેર કર્યું છે તે ખરેખર ચોંકાવનારું છે. જાણવા મળી રહ્યું છે કે, એક વાંદરાને કારણે સમગ્ર દેશમાં ત્રણ કલાક માટે વીજળી ગુલ થઈ ગઈ હતી. વીજકંપનીએ જાહેર કરેલાં એક નિવેદનમાં નોંધ્યું હતું કે, એક વાંદરાને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હતું. કેન્યા ઇલેક્ટ્રિસિટી જનરેશન કંપની કેનજેને પોતાનાં નિવેદનમાં જણાવ્યું કે, એક વાંદરું મધ્ય કેન્યામાં આવેલા ગિતારુ પાવરસ્ટેશનની છત પર ચડી ગયું હતું. આ વાંદરું છત પરથી તે ટ્રાન્સફોર્મર પર પડયું હતું જેને કારણે લાઇન ટ્રિપ થઈ ગઈ હતી. કંપની મુજબ તેને કારણે પાવરસ્ટેશનનાં અન્ય મશીનો પણ ટ્રિપ થઈ ગયાં હતાં. વીજકંપનીનું કહેવું છે આ ઘટનાને કારણે પ્લાન્ટની ૧૮૦ મેગાવોટ વીજળીનું નુકસાન થયું અને સમગ્ર દેશે ત્રણ કલાક માટે વીજળી વગર રહેવું પડયું હતું. તેઓ જણાવે છે કે, તેમણે તમામ પાવરસ્ટેશનને એક ઇલેક્ટ્રિક ફેન્સથી સલામત બનાવેલા છે પરંતુ આ એક અપવાદરૂપ ઘટના હતી.