નાઈરોબીઃ કેન્યામાં ફૂટબોલ લોકપ્રિય રમત છે. એક તરફ, ફૂટબોલની પીચ વધતી જાય છે અને તેને બનાવવા પાછળ મોટા પાયે અથવા તો દરરોજ ફૂટબોલની 50 પીચ જેટલી વન્ય જમીનો નાશ પામે છે. આ નુકસાન ભરપાઈ કરવા કેન્યાનો એમેચ્યોર ફૂટબોલર લેસેઈન મુટુનકેઈ જ્યારે પણ ગોલ સ્કોર કરે ત્યારે પોતાની ટીમના દરેક સભ્યના પ્રતિનિધિ તરીકે 11 છોડ રોપે છે. મુટુનકેઈ 2018થી પોતાના Trees4Goals અભિયાન હેઠળ પોતાના વિસ્તારના યુવા એથલીટ્સને તેઓ જ્યારે પણ ગોલ કરે ત્યારે 11 વૃક્ષના રોપા વાવવા અપીલ કરે છે. હવે તેણે ઈન્ટરનેશનલ ફૂટબોલ સંસ્થા FIFA તેના બિલિયન્સ દર્શકોને આ અભિયાનમાં સામેલ કરે તેનું બીડું ઉઠાવ્યું છે.
કેન્યા ફોરેસ્ટ સર્વિસે 2018માં જણાવ્યા અનુસાર કેન્યાનું વન્યાવરણ માત્ર 6 ટકા રહ્યું હતું. આ જ વર્ષે મુટુનકેઈએ તેનું અભિયાન શરૂ કર્યું હતું. મુટુનકેઈ કહે છે કે,‘ ફૂટબોલ યુનિવર્સલ રમત છે અને ક્લાઈમેટ ચેઈન્જ પણ યુનિવર્સલ સમસ્યા છે. સલામત અને હરિયાળા ભવિષ્યના સર્જન માટે ફૂટબોલ મારી પેઢીના લોકોને એકબીજા સાથે સાંકળવા, શિક્ષત કરવા અને પ્રેરણા આપવાની તાકાત ધરાવે છે.’ તેનું સ્વપ્ન છે કે ફૂટબોલની ટીમો તેમની અભરાઈઓ પર રહેલી ટ્રોફીઓથી નહિ પરંતુ, તેમણે કેટલું વનીકરણ કરવામાં મદદ કરી છે તેના થકી સફળતાનો આંક કાઢે. તે કહે છે કે ટ્રોફીઓ તો યથાવત રહે છે પરંતુ, તમારું વાવેલું વૃક્ષ તમારી સાથે જ વૃદ્ધિ પામે છે.
પર્યાવરણવાદી મુટુનકેઈની યાત્રા પાંચ વર્ષની વયથી શરૂ થઈ છે. તેના પરિવારમાં કોઈ ખાસ પ્રસંગ નિમિત્તે વૃક્ષ રોપવાનો રિવાજ છે. કેન્યાના નોબેલ શાંતિ પ્રાઈઝ વિનેતા વાંગારી માથાઈએ પરિવારની પરંપરાને એક અભિયાનમાં ફેરવવાની પ્રેરણા આપી હતી. માથાઈએ 1977માં ‘ગ્રીન બેલ્ટ મૂવમેન્ટ’ સ્થાપી હતી જેના થકી કેન્યન કોમ્યુનિટીઓની સહાયથી 51 મિલિયનથી વધુ વૃક્ષ વાવવામાં આવ્યા હતા.
FIFAએ મુટુનકેઈના સંખ્યાબંધ ઈમેઈલ્સ અને સોશિયલ મીડિઆ સંદેશાના પ્રત્યક્ષ ઉત્તરો આપ્યા નથી પરંતુ, ફૂટબોલ ક્ષેત્રના કેટલાક જાણીતા અગ્રણીઓએ તેના પ્રયાસોને બિરદાવ્યા છે. આર્સેનલ ફૂટબોલ ક્લબે તેને ઓટોગ્રાફ ધરાવતી જર્સી પણ ભેટમાં મોકલી હતી.