એન્ટેબીઃ યુગાન્ડાવાસીઓ અને લીગલ રેસિડેન્ટ્સ સહિત ૧૩૧ લોકોની બીજી બેચ ૪ જુલાઈને રાત્રે દસ વાગે એર ટાન્ઝાનિયાની ફ્લાઈટ દ્વારા એન્ટેબ એરપોર્ટ પહોંચી હતી. ૧૩૯ યુગાન્ડાવાસીઓની પ્રથમ બેચ ૧લી જુલાઈએ ભારતથી આવી હતી. આ સાથે ભારત, અફઘાનિસ્તાન, સુદાન, તુર્કી, નેધરલેન્ડ્સ તથા અન્ય દેશોથી પાછા ફરેલા યુગાન્ડાવાસીઓની સંખ્યા ૮૦૫ થઈ છે. તેઓ કોવિડ-૧૯ લોકડાઉનને લીધે વિદેશમાં ફસાયા હતા.
વિદેશી બાબતોના મંત્રાલયના ચીફ ઓફ પ્રોટોકોલ એમ્બેસેડર ચાર્લ્સ સેન્ટોન્ગો અને અન્ય સરકારી અધિકારીઓએ આ ગ્રૂપનું સ્વાગત કર્યું હતું. તેમાં ૫૦ યુગાન્ડાવાસી, એક બ્રિટિશ સિટીઝન, યુગાન્ડામાં રહેતા ભારતીય નાગરિકો અને યુગાન્ડા ખાતે નવા નીમાયેલા ભારતના હાઈ કમિશનર અજય કુમારનો સમાવેશ થતો હતો.
આ ફ્લાઈટમાં ભારતમાં સારવાર કરાવવા ગયેલા સાત દર્દીઓ પણ હતા. આરોગ્ય મંત્રાલયમાં ક્વોરન્ટાઈન સેન્ટર્સના નેશનલ કો-ઓર્ડિનેટર ડો. રિચાર્ડ મુગાહીએ જણાવ્યું હતું કે અજય કુમાર ભારતીય હાઈ કમિશનરના નિવાસસ્થાને સેલ્ફ-આઈસોલેટ થશે. તેમણે ઉમેર્યું હતું કે મિનિસ્ટ્રી દ્વારા દર્દીઓ અને લાંબી બિમારીના દર્દીઓની હાલતની ચકાસણી થશે અને તેમને સેલ્ફ-આઈસોલેશનની પરવાનગી અપાશે. બાકીના મોટાભાગના પ્રવાસીઓને ઈન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઈનમાં મોકલી અપાશે. આરોગ્ય મંત્રાલય દ્વારા વિદેશમાં અટવાયેલા તરીકે નોંધણી કરાવનારા ૨,૪૦૦ યુગાન્ડાવાસીઓ અને લીગલ રેસિડેન્ટ્સ માટે એન્ટેબી અને કમ્પાલામાં ૩૭ ક્વોરન્ટાઈન સેન્ટર ઉભાં કરાયા છે.
ઈન્ડિયન એસોસિએશન ઓફ યુગાન્ડાના પ્રવક્તા સંજીવ પટેલે ભારતથી આવેલી બે ફ્લાઈટ માટે યુગાન્ડા અને ભારત સરકારની પ્રસંશા કરી હતી. જોકે, ભારતમાં હજુ પણ કેટલાંક દર્દીઓ સહિત ૭૦ લોકો અટવાયેલા છે. તેઓ ૧૫ દિવસ પછી અથવા સરકાર ફરી રિપેટ્રિએશન ફ્લાઈટને મંજૂરી આપશે ત્યારે પાછા ફરશે.