કમ્પાલાઃ ઈદી અમીનની સરકારે ૧૯૭૨માં પડાવી લીધેલી એશિયનોની પ્રોપર્ટીના માલિકો સંદર્ભે પાર્લામેન્ટે કાર્યવાહી આરંભી છે. મસાકા શહેરમાં આવી પ્રોપર્ટીઓ ૭૩ લોકોના કબજામાં છે. આ તમામને પાર્લામેન્ટની કમિટી ઓન સ્ટેચ્યુટરી ઓથોરિટીઝ અને સ્ટેટ એન્ટરપ્રાઈઝ COSASE સમક્ષ હાજર રહેવા જણાવાયું હતું. વાઈસ પ્રેસિડેન્ટ સ્સેકાન્ડી અને અન્ય ૭૨ લોકોને જમીનના ટાઈટલ, જમીન ખરીદીના દસ્તાવેજ, રિપઝેશનનું સર્ટિફિકેટ, ખરીદીનું સર્ટિફિકેટ અથવા કસ્ટોડિયન બોર્ડના એલોકેશન લેટર જેવા પ્રોપર્ટીની માલિકીના પૂરાવા સાથે લાવવા સૂચના અપાઈ હતી.
પ્રમુખ ઈદી અમીને ૪ ઓગસ્ટ ૧૯૭૨ના રોજ એશિયનોને યુગાન્ડામાંથી હાંકી કાઢ્યા હતા અને તેઓ જે પ્રોપર્ટી છોડી ગયા હતા તે આ લોકોના નિયંત્રણમાં છે. મસાકા સિટી કાઉન્સિલ હોલમાં આ અંગે નોટિસ પણ લગાવવામાં આવી હતી. મસાકા ડિસ્ટ્રિક્ટ લેન્ડ બોર્ડના સેક્રેટરી બોબ અસીમ્વેના જણાવ્યા મુજબ જે પ્રોપર્ટી માટે આ ૭૩ લોકોને બોલાવાયા હતા તેમાંથી કેટલીક પ્રોપર્ટી મસાકા શહેરમાં એલ્જીન રોડ, હર્બર્ટ સ્ટ્રીટ, એડવર્ડ સ્ટ્રીટ, વિક્ટોરિા રોડ, માઓગોલા સ્ટ્રીટ અને મુટુબા ગાર્ડન્સ તથા અન્ય સ્થળે આવેલી છે.
કમિટી સમક્ષ જે લોકોને હાજર થવાનું હતું તેમાં એન્ટેબીના ડેપ્યૂટી RDC હાજી નૂર ન્જૂકી, બુકાકાટા સબ-કાઉન્ટી કાઉન્સિલર રીચાર્ડ કિમેરા, મસાકાના બિઝનેસમેન બાટીસાટા વાલુગેમ્બે, અબુબાકર મકુમ્બી અને વિલિયમ ડુમ્બા વગેરેનો સમાવેશ થતો હતો. પ્રોપર્ટીના કેટલાંક માલિકોએ જણાવ્યું હતું કે સાંસદો માત્ર તેમનો સમય બગાડી રહ્યા છે. હાજી નૂર ન્જીકી જાણતા હતા કે તેમને હાજર થવાનું છે પણ તેમણે કશું રજૂ કરવાનું નથી કારણ કે તેમણે કસ્ટોડિયન બોર્ડ પાસેથી કાયદેસર રીતે પ્રોપર્ટી સંપાદિત કરી છે.