કમ્પાલાઃ યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેની ઓઈલ અને ગેસ વિશેની બેઠકમાં હાજરી આપવા અને ટાન્ઝાનિયાના તેમના સમકક્ષ સામિયા હસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો માટે શનિવારે ટાન્ઝાનિયાની મુલાકાતે પહોંચ્યા હતા.પ્રમુખ મુસેવેની ૧,૪૪૫ કિ.મી.ની ઈસ્ટ આફ્રિકન ક્રૂડ ઓઈલ પાઈપલાઈન(EACOP) પ્રોજેક્ટ દ્વારા ઉભી થયેલી તકો વિશે ચર્ચા માટે પ્રાઈવેટ સેક્ટર દ્વારા આયોજિત પરિસંવાદમાં ચાવીરૂપ વક્તવ્ય આપશે.
પ્રમુખ મુસેવેનીના ડેપ્યૂટી પ્રેસ સેક્રેટરી ફારુક કિરુન્દાએ જણાવ્યું કે પ્રમુખ મુસેવેની ટાન્ઝાનિયાની ત્રણ દિવસની મુલાકાતમાં બન્ને દેશો વચ્ચે બંધાનારા અને યુગાન્ડાના ઓઈલ ફિલ્ડ્સને ટાન્ઝાનિયાના ટાંગા પોર્ટ સાથે જોડનારા ૩.૫ બિલિયન ડોલરના EACOP પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિ વિશે ટાન્ઝાનિયાના પ્રમુખ સામિયા સુલુહુ સાથે વાટાઘાટો કરશે.
બન્ને દેશોએ ફ્રાન્સના ટોટલ અને ચીનના CNOOCસાથે EACOP પ્રોજેક્ટ શરૂ કરવા માટે એપ્રિલમાં હોસ્ટ ગવર્નમેન્ટ એગ્રીમેન્ટ, શેર હોલ્ડર એગ્રીમેન્ટ (પાઈપલાઈન કંપની માટે) અને ટેરિફ એગ્રીમેન્ટ્સ, એમ ત્રણ મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
કેટલાંક યુરોપિયન લેન્ડર્સે (નાણાં ધીરનાર) ફંડિંગ કરવાની વિનંતીને નકારતાં આ પ્રોજેક્ટને આર્થિક મુશ્કેલી છે. આ પ્રોજેક્ટથી સીધી ૫,૦૦૦ રોજગારી અને ૨૦,૦૦૦ આડકતરી રોજગારી ઉભી થશે.