કમ્પાલા, નાઈરોબીઃ કેન્યાએ યુગાન્ડા સરકારની માલિકીના ઓઈલ માર્કેટીઅર યુગાન્ડા નેશનલ ઓઈલ કોર્પોરેશન (UNOC)ને લોકલ લાઈસન્સ આપવાનું નકારતા યુગાન્ડાએ ઈસ્ટ આફ્રિકન કોર્ટ ઓફ જસ્ટિસ (EACJ)માં કેન્યા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી આરંભી છે. આ લાયસન્સ UNOCને કેન્યામાં કામગીરીની પરમીશન અને યુગાન્ડા માટે ફ્યૂલ આયાતોના હેન્ડલિંગ માટે આવશ્યક છે.
નવેમ્બર 2023માં આ લાયસન્સ આપવાનો ઈનકાર કરાયા પછી યુગાન્ડાએ કેન્યા જરૂરી ઓથોરાઈઝેશન આપે તેવી માગણી સાથેનો કેસ પ્રાદેશિક કોર્ટમાં કર્યો છે. યુગાન્ડાએ દાવો કર્યો છે કે કેન્યાએ જાન્યુઆરી 2024થી ફ્યૂલની સીધી આયાત કરવા દેવા એપ્રિલ 2023માં કમિટમેન્ટ કર્યા પછી પીછેહઠ કરી છે. બીજી તરફ, કેન્યાએ પાંચ સ્થાનિક રીટેઈલ સ્ટેશન્સ તેમજ 6.6 મિલિયન લિટર સુપર પેટ્રોલ, ડિઝલ, કેરોસીનના વાર્ષિક વેચાણ અને પેટ્રોલિયમ ડેપોની માલિકીના દસ્તાવેજો સહિતના પુરાવાઓ યુગાન્ડા પાસે માગ્યા છે. યુગાન્ડા દર વર્ષે 2 બિલિયન ડોલરની કિંમતના 2.5 મિલિયન લિટર પેટ્રોલિયમની આયાત કરે છે અને તેની 90 ટકા આયાતો માટે કેન્યા પર આધાર રાખે છે. દરમિયાન, લોકલ લાયસન્સ નહિ મળતા યુગાન્ડાએ તેની ફ્યૂલ આયાતો ટાન્ઝાનિયાના દાર એસ્સલામ બંદરેથી કરવા વાટાઘાટો આદરી છે. જો આમ થશે તો કેન્યાના બંદરની રેવન્યુને ભારે ફટકો પહોંચી શકે છે.