નાઈરોબીઃ કેન્યાના પૂર્વ વડા પ્રધાન અને અઝિમિઓ મોરચા પાર્ટીના રાઈલા ઓડિન્ગાને પ્રમુખપદની ચૂંટણી લડવાનું ક્લીઅરન્સ મળી ગયું છે. તેમના સાથી તરીકે માર્થા કારુઆ ડેપ્યુટી પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ઝંપલાવશે. ઓગસ્ટ મહિનામાં થનારી ચૂંટણીમાં ઓડિન્ગા અને કારુઆની જોડી વિજેતા બનશે તો ધારાશાસ્ત્રી અને પૂર્વ જસ્ટિસ મિનિસ્ટર કારુઆ કેન્યાના પ્રથમ મહિલા ડેપ્યુટી પ્રેસિડેન્ટ બનશે.
અગાઉ, પ્રમુખપદના ઉમેદવાર રહેલાં માર્થા કારુઆ દેશના ‘આયર્ન લેડી’ ગણાય છે કારણકે પુરુષોના પ્રભાવ સાથેના કેન્યાના રાજકારણમાં તેઓ આગળ વધ્યાં છે. ઓડિન્ગાને પ્રમુખ કેન્યાટાનું સમર્થન સાંપડ્યું છે. દરમિયાન, પ્રમુખપદની ચૂંટણીમાં ઝંપલાવનારા ડેપ્યુટી પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ પોતાના સાથી તરીકે પ્રમુખ ઉહુરુ કેન્યાટાના પૂર્વ સહાયક અને હવે પ્રખર ટીકાકાર રિગાથી ગાચાગુઆને પસંદ કર્યા છે.