લંડન
ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતા યુગાન્ડન સમુદાયે પોતાના વતન સાથેના સંબંધો મજબૂત બની રહે તે માટે એક લેંગ્વેજ સ્કૂલની સ્થાપના કરી છે. એડિલેડમાં સપ્તાહાંતમાં સ્વયંસેવકો દ્વારા યુવાનોને લુગાન્ડાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જેથી તેઓ પોતાની ઓળખની જાળવણી કરી શકે. લુગાન્ડાના શિક્ષક બ્રેન્ડા નોવેકાએ જણાવ્યું હતું કે, અમારા બાળકોને તેમના વતનની સાથેનો સેતૂ જળવાઇ રહે તે માટે અને અંગ્રેજી ન બોલી શક્તાં તેમના સંબંધીઓ સાથે વાતચીત કરી શકે તે માટે લુગાન્ડાનું શિક્ષણ આપી રહ્યાં છીએ. અમે તેમને સ્થાનિક ભાષા કેવી રીતે બોલવી તે અંગે માહિતગાર કરીએ છીએ. આ રીતે અમે અમારી માતૃભાષાની જાળવણી કરી રહ્યાં છીએ.
સાઉથ ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીના ઇબ્રાહિમ ડિજેલો કહે છે કે વ્યક્તિ પોતાની રજૂઆત સારી રીતે કરી શકે તે માટે ભાષાની જાળવણી અત્યંત મહત્વની બની જાય છે. તમારી ઓળખ જાળવવા અને સમાજનો હિસ્સો બની રહેવા માટે પણ માતૃભાષાનું જ્ઞાન જરૂરી છે.
યુગાન્ડામાં વ્યાપક રીતે બોલાતી લુગાન્ડા ભાષા શીખવાથી વતનના દેશમાં રહેતા સંબંધીઓ અને મિત્રો સાથે વાતચીત કરવામાં પણ મદદ મળી રહે છે કારણ કે તેઓ અંગ્રેજીનું સારું જ્ઞાન ધરાવતા હોતા નથી. જેનિફર અમુના કહે છે કે અમે ઇચ્છીએ છીએ કે અમારા સંતાનો વતનના દેશના લોકો સાથે પણ સંપર્કમાં રહે. અમે નથી ઇચ્છતા કે તેઓ તેમની ઓળખ ગુમાવી દે. તેઓ જ્યારે યુગાન્ડાની મુલાકાતે જાય ત્યારે ત્યાંના લોકો સાથે સારી રીતે હળીમળી શકે. અમે ઓસ્ટ્રેલિયામાં અમારા વતનને જીવંત રાખવા માગીએ છીએ.