ભૂજઃ પાણીની અછતની પીડા કચ્છીઓ સારી રીતે જાણે છે. મૂળ કચ્છના અને મોમ્બાસામાં સ્થાયી થયેલા એક પરિવારે ત્યાંના દુર્ગમ અને શુષ્ક વિસ્તારમાં પીવાના પાણી માટે સગવડ ઊભી કરીને સેવા કાર્ય કર્યું છે. મુંદરાના ડો. પદ્મનાભ વિઠ્ઠલજી પંડ્યાના પરિજનોએ ૭૦૦ લોકોની પાણીની સમસ્યા હળવી બનાવતાં તેમના પ્રત્યે સ્થાનિકોએ આભાર વ્યક્ત કર્યો હતો. ડો. પંડ્યાના દોહિત્રી હસુ ભટ્ટ, જમાઇ કમલ ભટ્ટ, ધીર ભટ્ટ અને જય ભટ્ટે નાના ડો. પંડયાની સ્મૃતિમાં સ્થાનિક અશ્વેત લોકો માટે ડંકીની વ્યવસ્થા કરી આપી હતી. તાજેતરમાં મોમ્બાસાથી ૭૫ કિ.મી. અંતરિયાળ કિલિટી જિલ્લામાં તેના વોર્ડ વિસ્તારમાં આ સુવિધાનું ઉદ્ઘાટન કરાયું હતું. ડો. પદ્મનાભ વિઠ્ઠલજી પંડ્યાએ તબીબી-આરોગ્ય ક્ષેત્રે લોકોપયોગી યાદગાર કામગીરી કરી હતી.
દારેસલામવાસી દ્વારા કચ્છમાં સેવા કાર્યઃ મૂળ દહીંસરાના અને અત્યારે આફ્રિકાના દારેસલામમાં સ્થાયી થયેલા ખેડૂત અગ્રણી ગોપાલ ધનજી માયાણી તથા રામજી ધનજી માયાણી દ્વારા તાજેતરમાં ભૂજમાં વિવિધ વિદ્યાર્થીઓને તેમના પિતાની સ્મૃતિમાં માતા ગં.સ્વ. ધનબાઈ ધનજી માયાણી શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. બી. એસ. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા એક કાર્યક્રમમાં કચ્છના દરેક જ્ઞાતિના ડિગ્રી કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવી હતી.