કમ્પાલાઃ યુગાન્ડામાં માર્ગ અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે 6 જાન્યુઆરી શુક્રવારની વહેલી સવારે કમ્પાલા-ગુલુ હાઈવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં 16 વ્યક્તિની મોત નીપજ્યા હતા અને 21 લોકોને ઈજા પહોંચી હતી. હાઈવે પર એડેબે ટ્રેડિંગ સેન્ટર નજીક ઉભા રહેલાં ટ્રેઈલર સાથે પ્રવાસી બસ અથડાઈ હતી.
નોર્થ ક્યોગા રીજિયનના પોલીસ પ્રવક્તાએ જણાવ્યા મુજબ રોબલીન બસ કંપનીની કમ્પાલાથી ગુલુ તરફ જઈ રહેલી પ્રવાસી બસ 6 જાન્યુઆરીની મધરાતે ટ્રેડિંગ સેન્ટર નજીક માલસામાન ભરવા ઉભા રહેલા ટ્રેઈલર સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 12 વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ચાર વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થયું હતું. હજુ 21 ઈજાગ્રસ્તોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.