કમ્પાલાઃ યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં નવા વર્ષ નિમિત્તે શોપિંગ મોલમાં આતશબાજી નિહાળવા ભાગદોડ મચી જતાં 10 વર્ષીય બાળક સહિત ઓછામાં ઓછી નવ વ્યક્તિએ જાન ગુમાવ્યાના અહેવાલ છે. મધરાતના ટકોરે નવા વર્ષનાં આગમન ટાણે કમ્પાલાના ફ્રીડમ સિટી મોલમાં આતશબાજીનો નજારો નિહાળવા દોડેલા લોકો સાંકડા કોરિડોરમાં ફસાઈ ગયા હતા અને ભાગદોડ મચી હતી.
ફ્રીડમ સિટી મોલ કમ્પાલાને એન્ટેબી ઈન્ટરનેશનલ એરપોર્ટને સાંકળતા હાઈવે પર આવેલો છે જ્યાં લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા. પોલીસ પ્રવક્તા લ્યૂક ઓવોયેસીગીરેએ જણાવ્યું હતું કે ફાયરવર્ક્સ કાર્યક્રમને નિહાળવા થયેલી ભાગદોડમાં સંખ્યાબંધ લોકો ફસાયા હતા અને ગૂંગળામણ તેમના મોતનું કારણ બન્યું હતું. ઈમર્જન્સી મદદ દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં નવ વ્યક્તિને મૃત જાહેર કરાયા હતા.
કોવિડ-19 મહામારી અને સુરક્ષાના કારણોસર લદાયેલા નિયંત્રણો ઉઠાવી લેવાયા પછી ઈસ્ટ આફ્રિકાના દેશમાં 2023ને આવકારવાની આ સૌપ્રથમ ઉજવણી હતી.