કમ્પાલાઃ ગયા મંગળવારે થયેલા બે શક્તિશાળી આત્મઘાતી બોમ્બ વિસ્ફોટે યુગાન્ડાના પાટનગર કમ્પાલાને હચમચાવી નાખ્યું હતું. આ વિસ્ફોટોમાં સાત લોકો માર્યા ગયા હતા અને ૩૩થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ત્રણ બોમ્બરોનો સમાવેશ થાય છે. મોટરસાઈકલ પર આવેલા ત્રણ સુસાઈડ બોમ્બરોએ મંગળવારે સવારે ત્રણ – ત્રણ મિનિટના અંતરે આ વિસ્ફોટ કર્યા હતા. તેમણે પહેલો વિસ્ફોટ પોલીસ હેડક્વાર્ટર્સ નજીકના ચેકપોઈન્ટ પર અને બીજો પાર્લામેન્ટ નજીક કર્યો હતો. પોલીસે તેને સરકાર વિરોધી આતંકવાદીઓ દ્વારા સુઆયોજિત હુમલો ગણાવ્યો હતો.
આતંકવાદી સંગઠનોની ઓનલાઈન પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખતા SITE પ્રમાણે ઈસ્લામિક સ્ટેટ ગ્રૂપે આ વિસ્ફોટોની જવાબદારી લીધી હતી. શહેરના લોકો હજુ તેના આઘાતમાંથી બહાર આવ્યા નથી. આ વિસ્ફોટો પછી ૨૧ લોકોની ધરપકડ કરાઈ હતી. પોલીસ પ્રવક્તા ફ્રેડ એનાન્ગાએ જણાવ્યું કે સરહદ ઓળંગીને DR કોંગોમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા કેટલાંક બાળકો સહિત ૧૩ શકમંદને પકડી લેવાયા હતા.
દરમિયાન, સુરક્ષા દળોએ આ બોમ્બ વિસ્ફોટો સાથે સંકળાયેલા ADF સાથે કામ કરતા મૌલવી શેખ મુહમ્મદ અબ્બાસ કિરેવુને કમ્પાલાની બહાર ઠાર માર્યા હતા. તેમના પર ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા અલાઈડ ડેમોક્રેટિક ફોર્સીસ (ADF) સાથે કામ કરતા હોવાનો આરોપ હતો અને ADF દ્વારા સંચાલિત સેલ માટે તેમની ભરતી કરાઈ હતી. જ્યારે આતંકવાદીઓને તાલીમ આપવાના અને આઈઈડી (વિસ્ફોટક સાધનો) બનાવવા માટે સામગ્રી પૂરી પાડવાના બીજા આરોપી મૌલવી શેખ સુલેમાન ન્સુબુગાની શોધખોળ ચાલી રહી છે. બુધવારે સીમા નજીક ADFના ચાર શકમંદોને ઠાર મરાયા હતા.
દરમિયાન, યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવાની શહેરીજનોને ખાતરી આપી હતી. બુધવારે સવારે કમ્પાલામાં મોટી સંખ્યામાં સશસ્ત્ર પોલીસ અને લશ્કર તૈનાત હતું અને કેટલાંક રોડ પર ચેકપોઈન્ટ્સ ઉભાં કરાયા હતા, જેને લીધે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
વિસ્ફોટોના ૨૪ કલાક પછી શહેરમાં આર્થિક પ્રવૃત્તિઓ પૂર્વવત થઈ હતી. પરંતુ, ફોરેન્સિક નિષ્ણાતો પૂરાવા અને કડીઓની તપાસ કરી રહ્યા હોવાથી પાર્લામેન્ટ હાઉસની આસપાસના વિસ્તારો કડક સુરક્ષા બંદોબસ્ત હેઠળ રહ્યા હતા.
========
કમ્પાલાવાસીઓમાં ભારે દહેશત
કમ્પાલાના બિઝનેસમેન માઈક વોટમોને જણાવ્યું કે વિસ્ફોટની ઘટના ખૂબ આઘાતજનક હતી યુગાન્ડાવાસીઓ શાંતિપ્રિય છે અને સરકારે અમારી શાંતિપૂર્ણ નિંદ્રાને સુનિશ્ચિત કરી હતી. હવે આ લોકો અમારી પ્રવૃત્તિઓને અવરોધે છે ત્યારે અમને માનસિક આઘાત લાગે છે અને અમે આતંકવાદના ભય હેઠળ જીવતા હોઈએ ત્યારે અમે આર્થિક પ્રવૃત્તિઓ કરી શકતા નથી અને અમે અમારી સલામતી વિશે સ્પષ્ટ રહી શકતા નથી. બેંકર ફ્રેડ કાનામ્વાન્ગીએ જણાવ્યું કે ખાસ કરીને લોકોની ભીડ હોય તેવા વિસ્તારોમાં આવું શરુ થાય તે ભયંકર ગણાય. તે સંજોગોમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે સરકારે ઘણાં પગલાં લેવાની જરૂર છે.