કમ્પાલા: યુગાન્ડામાં ૨૧મી ઓગસ્ટે ફરી એકવાર હિંસા ભડકી ઊઠી હતી. રાજધાની કમ્પાલાના તંગદિલીને કારણે અહીં વસતાં હજારો ગુજરાતીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. એકનું મોત થયું હતું અને ૫ ઘવાયા હતા. સાંસદ અને પોપ ગાયક બોબી વાઈન અને તેના સમર્થકો દ્વારા રાષ્ટ્રપ્રમુખનો વિરોધ હિંસક બન્યો હતો. પોલીસ પ્રવક્તા એમીલિયન કાયમાએ જણાવ્યું કે મંગળવારે એક પોલીસકર્મીએ મિતિયાનામાં મિની બસ પર ફાયરિંગ કરતાં ૬ લોકો ઘવાયા હતા તેમાંથી ૧નું મોત થઈ ગયું હતું. પોલીસે કહ્યું કે, અમે ગોળીબાર કરનાર પોલીસમેનને શોધી રહ્યા છીએ. તેનું કૃત્ય ખૂબ જ બેજવાબદારીભર્યું પણ ગણાવાઈ રહ્યું છે.
યુગાન્ડામાં લાખો ગુજરાતી
કમ્પાલામાં પરિસ્થિતિ વિપરીત હોવાથી ભારતમાં ચિંતિત પરિવારજનોને આફ્રિકામાં વસતા લોકોએ જણાવ્યું કે અહીં વસતાં ગુજરાતી સુરક્ષિત છે પણ તંગદિલી ઘણી છે. શહેરન તમામ દુકાનો-મોલ બંધ થઈ ગયા છે. લોકો ઘરે પહોંચી ગયા છે. થોડા સમય સુધી લોકોએ પોતાના નોકરી કે ધંધાના સ્થળે છુપાઈ રહેવું પડ્યું હતું. અહીં લગભગ એક લાખ જેટલા ગુજરાતી વસે છે. પરિસ્થિતિ હવે અંકુશમાં છે પણ સાવચેતી રાખવી પડશે.