અક્રા (ઘાના)ઃ બીજા કોઇ માને કે ના માને ઘાનાના ટેક્સી ચાલક ઈસાક એકોનને એ વાતનો પાકો ભરોસો થઇ ગયો છે કે ઈશ્વર સારા કાર્યનો બદલો અચૂક આપે જ છે. એકોને તેની ટેક્સીમાં પેસેન્જર દ્વારા ભૂલાઈ ગયેલા 570 પાઉન્ડ (ઘાનાનું સ્થાનિક ચલણ પ્રમાણે 8400 સેડી)ની મોટી રકમ પરત કર્યા પછી સમગ્ર ઘાનામાંથી તેની પ્રામાણિકતાને બિરદાવાઈ રહી છે. તેની સ્ટોરી બહાર આવ્યા પછી સેલેબ્રિટીઝ દ્વારા તેના પર ઈનામની વર્ષા થઇ છે જે પરત કરેલી રકમ કરતાં પણ ઘણી વધુ છે.
એકોનની પ્રામાણિક્તાની આ ઘટના આમ તો મે 2022ની છે, પરંતુ તેના પર ઈનામ અને અભિનંદન આજે પણ વરસી રહ્યા છે. ટેક્સી ડ્રાઈવર ઈસાક એકોને આ ઘટના વિશે સ્થાનિક રેડિયો સ્ટેશન સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ‘મળેલી રકમ પરત કરવાનો નિર્ણય મારા માટે ઘણો સહેલો હતો. કામ બંધ કર્યા પછી મને કારમાં નાણાં દેખાયા અને પત્ની સાથે વાતચીત કરીને મેં નાણાં પાછા આપવાનો નિર્ણય લઈ લીધો હતો. કારણ સ્પષ્ટ છે કે જે વસ્તુ મારી નથી તે હું લેતો નથી.’ આ દિવસો એકોન માટે પણ કષ્ટભર્યા હતા. જૂની કારના ડ્રાઈવર તરીકેની કામગીરીમાં પરિવારનું પેટ ભરવામાં તેને ભારે નાણાભીડનો સામનો કરવો પડતો હતો. છતાં તેણે પ્રામાણિક્તા ના છોડી. ત્રણ બાળકોના પિતા એકોને તેના પેસેન્જર અને માછલીના સ્થાનિક મહિલા વેપારી ટેશાઈને શોધી નાણાં પરત કર્યા ત્યારે તેઓ આનંદથી રોઈ પડ્યાં હતાં અને તેણે વારંવાર એકોનનો આભાર માનીને આશીર્વાદ આપ્યા હતા.
આ કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ જર્નાલિસ્ટ માનાસેહ અઝૂરેએ ટેક્સી ડ્રાઈવરના નિઃસ્વાર્થ કાર્ય બદલ વળતર આપવા ફંડરેઈઝર શરૂ કર્યું ત્યારે એકોનની હૃદયસ્પર્શી સ્ટોરી પ્રકાશમાં આવી હતી. રાજકારણીઓ અને મ્યુઝિશિયન્સ સહિતના સેલેબ્રિટીઝ અને સામાન્ય લોકો પણ આ ટેક્સી ડ્રાઈવરની સરાહના કરવા લાગ્યા હતા. ઘાનાના વાઈસ પ્રેસિડેન્ટ મહમુદુ બાવુમિઆએ 1355 પાઉન્ડ (20,000 સેડી)ની માતબર રકમ તેમજ મ્યુઝિશિયન કિડિએ 340 પાઉન્ડ (5000 સેડી) આપ્યા.
આ પછી ફંડરેઈઝરમાં તેના માટે ઈનામની રકમ વધતી ગઈ. સાત વર્ષથી ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરતા એકોને પાંચ મોબાઈલ ફોન્સ સહિત ઘણી ખોવાયેલી ચીજવસ્તુ પેસેન્જર્સને પરત કરી છે. તેમનું કહેવું છે કે તેના આવા કાર્ય પાછળ ક્રિશ્ચિયન મૂલ્યો અને કોઈ આઈટમ કે નાણાનું તેના માલિક માટે શું મહત્ત્વ હોઈ શકે તેની સમજ ભૂમિકા ભજવે છે.