કિન્હાસાઃ બ્રિટિશ શાહી પરિવારના સોફી, કાઉન્ટ્સ ઓફ વેસેક્સ એન્ડ ફોરફાર ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ની મુલાકાત લેનારા સર્વ પ્રથમ સભ્ય બન્યાં છે. કાઉન્ટેસે 2018ના નોબેલ શાંતિ પ્રાઈઝવિજેતા ડો. ડેનિસ મુકવેગેની મુલાકાત લીધી હતી અને જાતિય હિંસાના પીડિતોની સંભાળના તેમના કાર્યની પ્રશંસા કરી હતી.
બ્રિટિશ રોયલની સાથે બેરન ઓફ વિમ્બ્લડન અને જાતિય હિંસા નિવારણ માટે યુકેના પ્રતિનિધિ ડો. તારિક અહેમદ પણ જાડાયા હતા. આ મુલાકાતનો હેતુ સંઘર્ષોમાં જાતિય હિંસાને અટકાવવાને સમર્પિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સની પૂર્વતૈયારીનો હતો. આ કોન્ફરન્સ નવેમ્બરમાં લંડન ખાતે યોજાવાની છે. બ્રિટિશ શાહી પરિવારના સભ્યે DRCની મુલાકાત લીધાની આ પ્રથમ ઘટના છે.