લંડન,નાઈરોબીઃ કેન્યા 12 ડિસેમ્બરે બ્રિટનથી સ્વતંત્ર થયાના 60 વર્ષની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે ત્યારે કિંગ ચાર્લ્સ તૃતીય અને ક્વીન કેમિલા 31 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી કેન્યાના ચાર દિવસનો સત્તાવાર પ્રવાસ ખેડશે. આ પ્રવાસ દરમિયાન, કિંગ ચાર્લ્સ કેન્યામાં બ્રિટિશ સંસ્થાનવાદી ભૂતકાળના પીડાકારી પાસાઓનો સ્વીકાર કરશે. કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોના આમંત્રણથી કિંગ અને ક્વીન કેન્યાની મુલાકાતે જઈ રહ્યા છે.
બ્રિટિશ શાસકો અને યુરોપિયન વસાહતીઓ વિરુદ્ધ માઉ માઉ આંદોલનને કચડી નાખવા બ્રિટિશ વહીવટદારો દ્વારા 90,000 લોકોની હત્યા કરાઈ હતી કે તેમના પર અત્યાચારો ગુજારાયા હતા. યુકે સરકારે 2013માં સંસ્થાનવાદી વહીવટ દ્વારા અત્યાચારો અને દુર્વ્યવહારો બદલ ખેદ દર્શાવતું ઐતિહાસિક નિવેદન જારીકરવા ઉપરાંત, 5,200 લોકોને 19.9 મિલિયન પાઉન્ડનું વળતર ચૂકવ્યું હતું.
ચાર્લ્સે એપ્રિલ 2023માં ટ્રાન્સએટલાન્ટિક ગુલામી સાથે બ્રિટિશ રાજાશાહીની ઐતિહાસિક કડીઓનું સંશોધન કરવા તરફેણ કરી હતી. પ્રિન્સ ચાર્લ્સે જૂન 2022માં રવાન્ડાના કિગાલીમાં કોમનવેલ્થ સરકારોના વડાઓની બેઠકના ઉદ્ઘાટન પ્રસંગે ગુલામીની કાયમી અસરો સંદર્ભે અંગત દિલસોજી વ્યક્ત કરી હતી.