કમ્પાલાઃ કિગેઝી સબ-રીજિયનના ૭૦૦થી વધુ ટી નર્સરી બેડ ઓપરેટરોએ પ્રેસિડેન્ટ મુસેવેનીને ૧૪૩ બિલિયન શિલિંગની કિંમતના ચાના નાના છોડ પૂરા પાડવાના પેમેન્ટના મુદ્દે મધ્યસ્થી કરવા પિટિશન કરી છે. આ છોડવા ૨૦૧૪થી ૨૦૧૭ના ગાળામાં ખેડૂતોને પૂરા પડાયા હતા. બીજી તરફ, સરકાર દ્વારા નર્સરીમાલિકોને ધીરજ રાખવા અને પ્રમુખને આ સમસ્યાની જાણકારી હોવાનું આશ્વાસન પણ અપાયું છે.
સાઉથ વેસ્ટર્ન યુગાન્ડા ટી નર્સરી બેડ ઓપરેટર્સના ચેરપર્સન ફ્રાન્ક બ્યારુહાંગાએ ૧૦ જુલાઈની પિટિશનમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા તેમને ખેડૂતોને ચાના નાના છોડ પૂરા પાડવા કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ બાબતે હજુ સુધી કોઈ પેમેન્ટ કરાયું નથી. હવે ખેડૂતોએ પ્રમુખ મુસેવેનીને મળવા સમય માગ્યો છે. આ કોન્ટ્રાક્ટ પૂર્ણ કરવા ૨૮૦,૦૦૦થી વધુ હંગામી કામદારોને વિવિધ ટી નર્સરી બેડ્ઝમાં કામ કરવા રખાયા હતા. હવે પગાર નહિ ચૂકવાયાથી કામદારોએ નર્સરી માલિકોને કોર્ટમાં લઈ જવા ધમકી આપી છે.
બીજી તરફ, નર્સરી માલિકોએ નાણાની ચુકવણી બાબતે ઓક્ટોબર ૨૦૧૮માં સરકાર વિરુદ્ધ કોર્ટમાં કેસ ફાઈલ કર્યો હતો. કોટ અને કાનૂની ફીની પાછળ ૨૫૦ મિલિયન શિલિંગ્સ ખર્ચાઈ ગયા છે. આ બાબતે યોગ્ય સમાધાન કરાવવા નર્સરી માલિકોએ પ્રમુખને અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે પ્રમુખ મુસેવેનીએ ૨૦૦૮માં કિગેઝીમાં ચા ઉગાડવાની શરુઆત કરાવી હતી અને ચાના ઉગાડાયેલા તમામ નાના છોડ સરકાર ખરીદીને ખેડૂતોને આપશે તેવી ખાતરી આપી હતી.
બ્યારુહાંગાએ જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ટી પ્રોસેસિંગ ફેક્ટરીઓનું નિર્માણ થયું છે અને ચાના લીલાં પાદડાંમાંથી થતી કમાણી ૨૦૦૮માં ૧૧ બિલિયન શિલિંગ્સથી વધી ૨૦૧૯માં ૫૫ બિલિયન શિલિંગ્સ પહોંચી છે. સરકારને પણ સારી રેવન્યુ મળી રહી છે.