નાઈરોબીઃ ભૂખ્યા રહીને સ્વર્ગમાં જઈ જિસસ ક્રાઈસ્ટ સાથે મિલાપ કરી શકાશે તેવી પોતાના અનુયાયીઓને સૂચના આપી તેમને મોતના મુખમાં ધકેલનારા સંપ્રદાયના પાદરી પોલ મેકેન્ઝી અને અન્ય 94 સામે મોમ્બાસાની શાન્ઝુ લો કોર્ટ્સમાં 18 જાન્યુઆરીએ આતંકવાદનો આરોપ લગાવાયો હતો.
ગુડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચના વડા મેકેન્ઝી અને સહઆરોપીઓએ આરોપો નકારી કાઢ્યા હતા અને તેમને બોન્ડ સુનાવણી માટે 8 ફેબ્રુઆરીએ કોર્ટ સમક્ષ હાજર થવાનું રહેશે. હજારો એકરમાં ફેલાયેલા શાકાહોલા ફોરેસ્ટમાંથી 429 અનુયાયીઓના મૃતદેહ શોધી કઢાયા હતા. સંખ્યાબંધ લોકોના મોત ભૂખ્યા રહેવાથી થયા હતા અને ઘણાં બાળકોને ગળાં દબાવી દેવાયેલાં હતાં. આના પગલે ગત એપ્રિલમાં મેકેન્ઝીની ધરપકડ કરાઈ હતી.