નાઈરોબીઃ કેન્યાના પોલીસતંત્રમાં ફરજ બજાવતા લગભગ 2000 પોલીસ અધિકારી પોલીસતંત્રમાં સેવા બજાવવા માનસિક રીતે સક્ષમ ન હોવાનો ચોંકાવનારો દાવો ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ હિલારી મુત્યામ્બઈએ કર્યો છે.
પોલીસ અધિકારીઓની તબીબી તપાસના પગલે સંખ્યાબંધ પોલીસ અધિકારીઓ કાયદો અને વ્યવસ્થાની ફરજ નિભાવવા માનસિક રીતે સક્ષમ જણાયા નથી.
ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ હિલારી મુત્યામ્બઈએ ગત મંગળવારે નાઈરોબીમાં એંગ્લિકન ચર્ચના બિશપો તથા વરિષ્ઠ પાદરીઓ સાથેની એક બેઠક દરમિયાન આ ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે લગભગ 2000 પોલીસ અધિકારીને અલગ તારવવામાં આવ્યા છે.
કાનૂન અને વ્યવસ્થા સંભાળતા અધિકારીઓમાં તણાવ, ડિપ્રેશનના કારણે વધતા જતા આત્મહત્યાના બનાવોને જોતાં પોલીસ વડાનું આ નિવેદન નોંધપાત્ર છે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે, માનસિક રીતે ‘અનફિટ’ કેટલાક પોલીસ અધિકારીની બાબતે સુધારાત્મક પગલાં લેવાની કામગીરીની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે પરંતુ, તબીબી કારણસર કોઈને ફરજમાંથી દૂર કરવાનું મુશ્કેલ છે. તેમણે એમ પણ જણાવ્યું કે, જ્યારે શસ્ત્રો-હથિયારોનો કબ્જો તેમની પાસે હોય ત્યારે આ બાબતે જોખમ વધી જાય છે. મુત્યામ્બઈએ કહ્યું કે, અમારા કામકાજનું સાધન જ હથિયાર છે, અને જ્યારે એક પણ બુલેટ ડિસ્ચાર્જ થાય છે ત્યારે તેના સંકેતાર્થો ઘણા જ ગંભીર હોય છે.
પોલીસ અધિકારીઓમાં વધતી ડિપ્રેશનની ફરિયાદો અને માનસિક આરોગ્યના કેસોના સંદર્ભે ગત જાન્યુઆરીમાં એક ટાસ્કફોર્સની રચના કરાઈ હતી, જેનાથી અધિકારીઓને મુક્ત મને પોતાના તણાવ અને ડિપ્રેશન મુદ્દે વાત કરવાની તક મળી હતી.