નાઈરોબીઃ કેન્યા અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) વર્તમાન ધીરાણ કાર્યક્રમને રદ કરી નવી સમજૂતી કરવાની ચર્ચા હાથ ધરશે. ભારે સરકારી ખર્ચાના કારણે કેન્યા દેવાંની પુનઃચૂકવણીઓને પહોંચી વળી શકતું નથી. આથી તેને નાણાભંડોળ પાસેથી નાણાસહાય સતત મળતી રહે તેવી ઈચ્છા ધરાવે છે. IMFને કેન્યા પાસેથી નવા પ્રોગ્રામ બાબતે અરજી મળી ગઈ છે. કુલ 3.6 બિલિયન ડોલરની સંયુક્ત ECF/EFF ફેસિલિટી આગામી મહિને સમાપ્ત થાય છે. વર્તમાન ધીરાણ પ્રોગ્રામ મુજબ 3.12 બિલિયન ડોલરની કુલ રકમ ગત ઓક્ટોબરના અંત સુધીમાં વહેંચણી માટે મંજૂર કરી દેવાઈ હતી.
• રવાન્ડાએ બેલ્જિયમ સાથે રાજદ્વારી સંબંધો તોડ્યા
રવાન્ડાએ બેલ્જિયમ સાથે રાજદ્વારી સંબંધો તોડવાની જાહેરાત કરી તેના તમામ રાજદ્વારીઓને દેશ પરત ફરવા જણાવી દીધું હતું. સામા પક્ષે બેલ્જિયમે પણ જણાવ્યું હતું કે રવાન્ડાના રાજદ્વારીઓને તેમના દેશમાં આવકાર નહિ અપાય. રવાન્ડાએ આક્ષેપ લગાવ્યો હતો કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓપ કોંગોમાં પ્રવર્તમાન સંઘર્ષ દરમિયાન કિગાલીની સતત અવગણના કરાતી હતી. બેલ્જિયમ DRC મુદ્દે રવાન્ડા સામે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાદવાની હિમાયત કરતું રહ્યું હોવાનો આક્ષેપ પણ કરાયો હતો.