કોવિડ -૧૯ મહામારી દરમિયાન ઈમરજન્સી ફ્લાઈટના લેન્ડિંગ માટે વિશેષ લેન્ડિંગ અધિકાર આપવાની કેન્યાની વિનંતીને ભારતે મંજૂર રાખી હતી. ૩૦ સપ્ટેમ્બરે આ અંગે કરાયેલી જાહેરાત મુજબ બન્ને દેશોએ પોતાની એરસ્પેસ બંધ હોય તે દરમિયાન પણ એકબીજાની ઈમરજન્સી ફ્લાઈટ્સને ઉતરાણની મંજૂરી આપી છે.
ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પૂરીએ જણાવ્યું કે ભારતે ૧૫ દેશો સાથે આવી જ દ્વિપક્ષીય સમજૂતી કરી છે. દ્વિપક્ષીય આંતરરાષ્ટ્રીય એર કનેક્ટિવિટી વધારવા માટે હવે કેન્યા અને ભૂતાન સાથે એર બબલ વ્યવસ્થા અમલમાં છે. તે મુજબ ભારતીય વિમાનો તે દેશોમાં અને તે દેશોના વિમાન ભારતમાં આવી શકશે. આ દેશોમાં કેન્યા, ઓસ્ટ્રેલિયા, ઈટાલી, જાપાન, ન્યૂઝીલેન્ડ, નાઈજીરીયા, બહેરિન, ઈઝરાયલ, ફિલિપાઈન્સ, રશિયા, સીંગાપુર, સાઉથ કોરિયા અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે.
કેન્યાના ભારત ખાતેના હાઈ કમિશનર વિલી બેટે જણાવ્યું હતું કે ખાસ કરીને જેમને તાકીદે આવવું જરૂરી હોય તેમના માટે ખાસ વિમાન સેવા માટે દરખાસ્ત મૂકી હતી.
ભારતમાં માર્ચથી લોકડાઉન ચાલે છે અને વિશેષ સંજોગોમાં માત્ર પોતાના નાગરિકોને પાછા લાવવાની (રિપેટ્રિએશન) વિમાનસેવાને જ પરવાનગી છે. ભારતમાં રોજના સરેરાશ ૭૦,૦૦૦ કેસ સાથે કોરોનાના કેસ વધી રહ્યા છે.
કેન્યાના રાજદૂતે અગાઉ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કેન્યા, ખાસ કરીને ઉડ્ડયન નિયંત્રણનો હવાલો સંભાળતા ભારતીય સત્તાવાળાઓ સાથે કેન્યા એરવેઝને મહિનાના અંત સુધીમાં ઓછામાં ઓછી બે સ્પેશિયલ ફ્લાઈટના આવાગમનને પરવાનગી આપવા વાટાઘાટો કરી રહ્યું છે. તેની પાછળનો હેતુ ખાસ કરીને કેન્યાવાસીઓ હેલ્થ કેરની સુવિધા મેળવી શકે તેવો હતો. દરમિયાન, કેન્યા એરવેઝ દ્વારા ભારતમાં અટવાયેલા ૨,૦૦૦ કેન્યાવાસીઓને પાછા લવાયા હતા.