સરમુખત્યાર ઈદી અમીને યુગાન્ડામાંથી એશિયનોની હકાલપટ્ટી કરી અને હજારો ભારતીયો સારા ભવિષ્યની ખોજમાં કેન્યા છોડીને યુકે સ્થળાંતર કરી ગયા તે પછી અનેક નોંધપાત્ર બાબતો ઘટી તે એ હતી કે સર્જાયેલા શૂન્યાવકાશને ભારતથી આવેલા ભારતીયો દ્વારા ભરી દેવાયો હતો! તાજેતરમાં મારી કેન્યાની મુલાકાત દરમિયાન, કિસુમુ ખાતે મેં લક્ષ્મી નારાયણ મંદિરમાં આ નિહાળ્યું હતું. મંદિરની 85મી વર્ષગાંઠ ઉજવાઈ રહી હતી અને મંદિર ભાવિક ભક્તોથી ભરચક હતું.
જોકે, હું ઘણા ઓછાં પરિચિત ચહેરાઓને જોઈ શક્યો હતો. ભારતથી નવાસવાં આવેલા લોકોની સંખ્યા અભૂતપૂર્વ હતી. નવાસવાંનો મારો મતલબ ગત 25 વર્ષના ગાળામાં આવેલા લોકો વિશે છે. તેમાંના મોટા ભાગના મલોકો સ્વાભાવિકપણે ગુજરાતી હતા પરંતુ, ઉત્તર અને દક્ષિણ ભારતથી આવેલા IT સ્પેશિયાલિસ્ટ્સ તેમજ એન્જિનીઅર્સ અને ડોક્ટર્સની સંખ્યામાં પણ ભારે વધારો થયો છે. નવા અને પુરાણા ભારતીયોના સંમિશ્રણથી ડાયસ્પોરામાં નવો વિશિષ્ટ રણકારનું સર્જન થયું છે. હિન્દુ તહેવારોની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. નવા અને પુરાણા મંદિરો ભારતીય સંસ્કૃતિને ઉત્તેજન આપી રહ્યા છે અને સખાવતી પ્રવૃત્તિનાં સંખ્યાબંધ પ્રોજેક્ટ્સ ચલાવી રહ્યા છે. ભારતીય સમુદાયો દ્વારા વ્યાપકપણે ભોજનનું વિતરણ, શિક્ષણ અને મેડિકલ સારસંભાળ પૂરાં પાડવામાં આવે છે. નાઈરોબીના પાર્કલેન્સ વિસ્તારમાં જલારામ મેડિકલ સેન્ટર ખોલવામાં આવ્યું છે અને તેના દ્વારા નહિવત્ ચાર્જ લઈને પેશન્ટ્સની સારવાર કરવામાં આવે છે. જલારામ મંદિર દ્વારા ઘણી શાળાઓમાં રોજ ભોજન પણ પહોંચાડવામાં આવે છે. શીખ અને જૈન સમુદાયો પણ વિશાળ પ્રમાણમાં ચેરિટી-સખાવતી પ્રવૃત્તિઓ કરે છે.
એક નોંધપાત્ર પરિવર્તન પણ નજરે પડે છે જ્યાં આફ્રિકન કેન્યન્સ અને ભારતીય કેન્યન્સ વચ્ચે લગભગ સંપૂર્ણ સંવાદિતા જોવા મળે છે. ભૂતકાળના પૂર્વગ્રહો લગભગ અદૃશ્ય જ થઈ ગયા છે. અર્થતંત્રના મોટા હિસ્સા પર હજુ ભારતીય કોમ્યુનિટીનું પ્રભુત્વ કે અંકુશ જળવાઈ રહ્યો છે અને તેઓ હજારો કેન્યાવાસીઓને નોકરી-રોજગાર પૂરા પાડે છે. ભારતીય સમુદાયે નાના શોપકીપર્સ-દુકાનદારોમાંથી મોટા ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ્સ બનવાની પ્રગતિ હાંસલ કરી છે અને મિલેનિયલ જનરેશન હાઈ ટેક ઈન્ડસ્ટ્રીઝમાં વૈવિધ્યીકરણ અપનાવી રહ્યું છે.
કેન્યામાં હિન્દુ આંદોલનોમાં હરે કૃષ્ણા સોસાયટી વિશિષ્ટ સ્થાન ધરાવે છે જેઓ કેન્યાવાસીઓને સક્રિયાત્મક ઉપદેશો આપે છે અને જો તમે નાઈરોબીમાં હરે કૃષ્ણ મંદિરમાં વહેલી સવારની પૂજા-દર્શનમાં સામેલ થાવ તો તમને મંદિર સંસ્કૃત પ્રાથર્નાઓ ગાતા આફ્રિકનોથી જ ભરાયેલું લાગશે. આફ્રિકનો મોટી સંખ્યામાં શાકાહારી અને વીગન બની રહ્યા છે. નાઈરોબીમાં મારી મુલાકાત કિકુયુ સન્નારી રાચેલ સાથે થઈ હતી જેઓ વીગન સોસાયટી ઓફ કેન્યાનાં સ્થાપક છે. તેઓ નાઈરોબીના પરાંવિસ્તારમાં ગૌશાળા (Cow Sanctuary) શરૂ કરવાં ઈચ્છે છે. તેમણે ભારતની મુલાકાત લીધી છે અને તેમને ગુરુ પણ છે!
યુગાન્ડામાં પણ ભારતીય કોમ્યુનિટીની સ્થિતિ ઘણી સારી છે અને યુગાન્ડાવાસીઓ પણ મૈત્રીપૂર્ણ લોકો છે. મહેતા અને માધવાણી પરિવારો હજુ પણ હજારો એકરના શેરડી ફાર્મ્સ પર અંકુશ ધરાવે છે. યુગાન્ડામાં પણ સક્રિય વીગન સોસાયટી છે. યુગાન્ડાની મારી મુલાકાત દરમિયાન હું વિક્ટોરિયા લેકના તટ પર આવેલાં શહેર જિન્જા ગયો હતો. નાઈલ નદીનાં મૂળ-સ્રોત તરીકે આ સ્થળ પ્રખ્યાત છે. નાઈલ નદીનું મૂળ શોધવાનો યશ અપાયો છે તેવા અંગ્રેજ સ્પેકે (Speke)એ એમ સ્વીકાર્યું હતું કે તેમને ભારતના હિન્દુ સાધુ પાસેથી આ માહિતી પ્રાપ્ત થઈ હતી. પ્રાચીન હિન્દુ શાસ્ત્રો- પુરાણો અનુસાર, નાઈલ નદીનું સાચું મૂળ સોમ ગિરિ તરીકે ઓળખાય છે. સોમનો અર્થ ચંદ્ર અને ગિરિનો અર્થ પર્વતો થાય છે. આ સ્થળ અન્ય કશું નહિ પરંતુ, કોન્ગોના મૂન માઉન્ટેઈન્સની દંતકથા જ છે! પુરાણોમાં ઉલ્લેખિત શંખ દ્વીપ આજનું ઝાંઝીબાર છે. શંખનો અર્થ કવચ કે આવરણ (Shell) અને દ્વીપનો અર્થ ટાપુ થાય છે. આ બધું સાબિત કરે છે કે હજારો વર્ષ અગાઉ પણ ભારતીયો વિશ્વના આ પ્રદેશોના બરાબર જાણકાર હતા! આમ ઈસ્ટ આફ્રિકા સાથે આપણા સંબંધ માત્ર 150થી 200 વર્ષ જૂના તો નથી જ!
કેન્યા અને યુગાન્ડાનું ભવિષ્ય અતિ ઉજ્જવળ છે અને હરામ્બે (Harambe)ની ભાવના સાથે બંનેની હજુ પ્રગતિ થતી રહેશે. હરામ્બે બે દેશોને સાથે લાવવાનો અને સખત પરિશ્રમનો પ્રેરણાદાયી શબ્દ છે. એમ પણ કહેવાય છે કે હરામ્બે વાસ્તવમાં હર અંબે (Har Ambe) છે. સદીઓ અગાઉ, આ દેશોમાં સ્થાયી થયેલા ભારતીય વસાહતીઓ કોઈ મુશ્કેલ કે કઠણ કાર્ય હાથ ધરતા ત્યારે દેવી અંબાનું નામ (હર અંબે) પોકારીને કાર્યનો શુભારંભ કરતા હતા!