નાઈરોબીઃ કેન્યા સરકાર અને ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું નેતૃત્વ ધરાવતાં અદાણી જૂથની વચ્ચે નાઈરોબીના જોમો કેન્યાટા એરપોર્ટના નવીનીકરણના સોદાના દેશના મુખ્ય એરપોર્ટ પર સેંકડો કર્મચારીઓએ હડતાળ પાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આના કારણે વિમાનોની અવરજવર અટકી પડી હતી અને સેંકડો પ્રવાસીઓ નૈરોબી એરપોર્ટ પર ફસાયા હતા. દરમિયાન, આ સોદાને પરિણામે કેન્યામાં થઈ રહેલાં વિરોધને પગલે હાઈ કોર્ટે આ સોદાને સસ્પેન્ડ કરી દીધો છે. કોર્ટના આદેશને પગલે અદાણીના હાથમાંથી 1.8 બિલિયન ડોલરનો સોદો જતો રહ્યો છે. કોર્ટના આદેશના પગલે વર્કર્સ યુનિયને હડતાળ પાછી ખેંચી લીધી હતી અને કામગીરી યથાવત થઈ હતી.
કેન્યા સરકાર અને અદાણી જૂથ વચ્ચેની સમજૂતી અનુસાર નાઈરોબીના જોમો કેન્યાટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નવીનીકરણ થવાનું હતું અને સાથે એક વધારાનો રનવે તથા ટર્મિનલનું પણ નિર્માણ કરવાનું હતું. આ સમજૂતી અનુસાર અદાણી જૂથ પાસે 30 વર્ષ સુધી આ એરપોર્ટનું સંચાલન રહેવાનું હતું. જોકે, સ્ટાફ અને અધિકારીઓની નારાજગીની અસર એરપોર્ટના ટ્રાફિક પર જોવા મળી હતી. અનેક ફ્લાઇટ્સ રદ કરી દેવી પડી અથવા તો ડાઈવર્ટ કરી દેવી પડી હતી. આ સોદાથી તેમની નોકરી પર સંકટ આવવાની લાગણી એરપોર્ટ સ્ટાફે દર્શાવી હતી.