નાઈરોબીઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ના મિલિટરી ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા કેન્યા એરવેઝ (KQ)ના બે કર્મચારીને કસ્ટડીમાં બંધ કરી રખાયા મુદ્દે વિરોધ પ્રદર્શિત કર્યા પછી કેન્યા એરવેઝે મંગળવાર 30 એપ્રિલથી DRC)ની રાજધાની કિન્હાસાની ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી.
કેન્યા એરવેઝ (KQ) દ્વારા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) સામે આક્ષેપ લગાવાયો હતો કે તેના લશ્કરે મિલિટરી કોર્ટના આદેશની અવગણના કરીને એરવેઝના બે કર્મચારીને કસ્ટડીમાં બંધ કરી રાખ્યા છે. કિંમતી કાર્ગોના યોગ્ય કસ્ટમ્સ દસ્તાવેજો ન હોવાના કારણે DRCના મિલિટરી ઈન્ટેલિજન્સ યુનિટે 19 એપ્રિલે કેન્યા એરવેઝના બે કર્મચારીની અટકાયત કરી હતી. એરવેઝે ખુવાસો કર્યો હતો કે પૂરતાં દસ્તાવેજો ન હોવાથી તેમણે કાર્ગો સ્વીકાર્યો જ ન હતો. તપાસ ચાલી રહી છે ત્યાં સુધી તેમને મુક્ત કરવા કોર્ટે આદેશ આપ્યો હોવાં છતાં કર્મચારીઓના ફોન્સ જપ્ત કરી લેવાયા હતા અને કોઈ પ્રકારના કોમ્યુનિકેશન સિવાય લશ્કરી ઈન્ટેલિજન્સ યુનિટે કસ્ટડીમાં ગોંધી રાખ્યાનો આક્ષેપ લગાવી તેનો વિરોધ એરવેઝ દ્વારા કરાયો હતો. કાર્ગોમાં કયો માલસામાન હતો તે જાહેર કરાયું નથી.