નાઈરોબીઃ સોમાલિયાએ કેન્યામાંથી ઉત્તેજક વનસ્પતિ કાટ (khat) ની આયાત પરનો બે વર્ષ જૂનો ફ્લાઈટ પ્રતિબંધ ઉઠાવી લેતા હવે તેની નિકાસ ફરી શરૂ કરાશે. પ્રમુખ ઉહુરુ કેન્યાટા સોમાલિયાના નવા પ્રમુખ હાસન શેખ મોહમ્મદની શપથવિધિમાં હાજરી આપવા મોગાડિશુ ગયાના એક દિવસ પછી જ આ જાહેરાત થઈ છે જે, બંને દેશના સંબંધોમાં સુધારાની સૂચક છે. સોમાલિયાએ ડિસેમ્બર 2020માં કેન્યા સાથે રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા હતા અને ઓગસ્ટ 2021માં પુનઃ સ્થાપિત કરાયા હતા.
કેન્યા અને સોમાલિયા વચ્ચે વેપાર કરારો થયા હતા જે અનુસાર એક પ્રકારની ઉત્તેજક વનસ્પતિ કાટ અથવા મીરા (miraa)ની કેન્યાથી નિકાસ કરી શકાશે. કેટલાક યુરોપીય દેશોમાં ડ્રગ તરીકે વર્ગીકૃત આ વનસ્પતિને ચાવવાથી ભૂખ શમાવે છે અને ઉત્તેજના લાવે છે જેની સોમાલિયામાં ભારે માગ છે. પ્રતિબંધ પહેલા કેન્યા દરરોજ 6 મિલિયન શિલિંગ્સ (50,000 ડોલર)ના મૂલ્યની 50 ટન વનસ્પતિ સોમાલિયામાં નિકાસ કરતું હતું. સોમાલિયા તેના પડોશીને માછલી અને અન્ય ઊત્પાદનોનું વેચાણ કરશે. કેન્યાએ 2021માં સોમાલિયાને 13 બિલિયન શિલિંગ્સ (110 મિલિયન ડોલરથી વધુ)ની નિકાસ કરી હતી અને 106 મિલિયન શિલિંગ્સ (905,000 ડોલર)ના મૂલ્યની આયાત કરી હતી.