નાઈરોબીઃ કેન્યા દેશભરમાં વિશ્વની પ્રથમ મેલેરિયા વેક્સિન (RTS,S)નો ઉપયોગ વધારશે. કેન્યા ઉપરાંત, ઘાના અને માલાવીમાં પણ આ વેક્સિનનો ઉપયોગ થઈ રહ્યો છે. ડાયરેક્ટર જનરલ ફોર હેલ્થ પેટ્રિક આમોથે વેક્સિનેશન અભિયાન માટે જણાવ્યું હતું કે અત્યાર સુધી આશરે 400,000 બાળકોને મેલેરિયા વેક્સિન આપી દેવાઈ છે.
વિહિગા કાઉન્ટીમાં જ 25,000 બાળકોનું વેક્સિનેશન થયું છે. આ બધા વિસ્તારોમાં જીવલેણ મેલેરિયાના પ્રમાણ, બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા તેમજ બાળમૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા-WHOના જણાવ્યા અનુસાર વિશ્વમાં સૌથી ખતરનાક મેલેરિયા પેરેસાઈટ અને આફ્રિકામાં સૌથી વધુ દેખાતા પ્લાઝમોડિયમ ફાલ્સિપેરમની સામે RTS,S વેક્સિન સારું કામ આપે છે.