કેન્યા હત્યાકાંડમાં નવો ફણગોઃ 201માંથી અનેક મૃતદેહોના અંગો ગૂમ

ટેલિવેન્જિલિસ્ટ પાદરી એઝકેઈલ ઓડેરોના 20થી વધુ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ

Tuesday 16th May 2023 01:50 EDT
 
 

નાઈરોબીઃ પૂર્વ કેન્યાના તટવર્તી નગર માલિન્ડી નજીક શાકાહોલા જંગલ પાસેના રેન્ચમાંથી 201થી વધુ મૃતદેહ શોધી કઢાયા હતા તેમાં નવો ફણગો ફૂટ્યો છે. કોર્ટ દસ્તાવેજો અનુસાર કેટલાક મૃતદહોમાંથી અંગો ગૂમ હોવાનું ઓટોપ્સી રિપોર્ટમાં જણાવાયું છે. ભૂખ્યા રહેવાથી મોતને ભેટેલા બહુમતી બાળકો સહિત112થી વધુ લોકોની ઓટોપ્સી કરવામાં આવી હતી જેમાં, કેટલાક મૃતદેહોના અંગો ગૂમ હોવાનું જણાયું હતું. આના પરિણામે, માનવઅંગોની ગેરકાયદે હેરફેર કરાઈ હોવાની શંકા સર્જાઈ છે. કેન્યાના પ્રમુખ વિલિયમ રુટોએ આ હત્યાકાંડમાં ઈન્ક્વાયરી કમિશનની જાહેરાત કરી છે.

ઈન્ટરનેશનલ ચર્ચ ઓફ ગૂડ ન્યૂઝના સ્વકથિત પાદરી પોલ ન્થેન્ગે મેકેન્ઝીએ પૃથ્વીનો અંત નજીક છે અને મૃત્યુ સુધી ભૂખ્યા રહેવાનું વ્રત રાખશો તો સ્વર્ગમાં જવાશે અને ઈસુને મળાશે તેમ અનુયાયીઓને જણાવ્યા પછી લોકોએ ઉપવાસ શરૂ કર્યા હતા. કેન્યાના ફોરન્સિક ઓપરેશન્સના વડા ડો. જોહાન્લેન ઓડૂરના જણાવ્યા મુજબ બાળકો સહિત ઘણા લોકોને માર મરાયો હતો, ગળું રૂંધવામાં આવ્યું હોવાનું ઓટોપ્સી રિપોર્ટ્સમાં બહાર આવ્યું છે. બાળકોને સૂર્યતાપમાં ભૂખ્યાં રખાયા હતા જેથી તેમના મોત વહેલાં થાય. આશરે 600 અનુયાયી લાપતા હોવાની આશંકા છે.

પાદરી મેકેન્ઝી વધુ 30 દિવસ જેલમાં

ઓછામાં ઓછાં 145 લોકોની હત્યાનો આરોપ ધરાવતા પાદરી પોલ ન્થેન્ગે મેકેન્ઝી અને તેની પત્ની સહિત 17 આરોપીને વધુ 30દિવસ પોલીસ કસ્ટડીમાં રાખવા મોમ્બાસાની કોર્ટ 2 મેએ આદેશ કર્યો છે. મેકેન્ઝી 14 એપ્રિલથી અટકાયત હેઠળ છે. પ્રોસીક્યુટરોએ 90 દિવસ કસ્ટડીની માગણી કરી હતી. પાદરી પોલ મેકેન્ઝી સામે ટેરરિઝમ મુદ્દે કેસ ચલાવવા જાહેરાત કરાઈ છે. મેકેન્ઝીએ લોકોને બળજબરીથી ભૂખ્યા રહેવાની ફરજ પાડી હોવાનો ઈનકાર કર્યો હતો.

પાદરી એઝકેઈલ ઓડેરોના બેન્કખાતાં ફ્રીઝ

આ કેસ સાથે સંકળાયેલા મનાતા દેશના સૌથી વગદાર ટેલિવેન્જિલિસ્ટ અને ન્યૂ લાઈફ પ્રેયર સેન્ટર એન્ડ ચર્ચનાં પાદરી એઝકેઈલ ઓડેરોની પણ 28 એપ્રિલે ધરપકડ કરાયા પછી જામીન પર મુક્ત કરાયો હતો. તેના પણ કેટલાક અનુયાયીના મૃતદેહ મળી આવ્યા હતા. નાઈરોબી કોર્ટે તેના 20થી વધુ બેન્ક એકાઉન્ટ 30 દિવસ માટે ફ્રીઝ કરવાનો આદેશ 8 મે, સોમવારે કર્યો હતો. ડાયરેક્ટોરેટ ઓફ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન્સ અનુસાર કેટલાક અનુયાયીઓએ તેમની પ્રોપર્ટીઝ વેચવા પાદરી મેકેન્ઝીને જણાવ્યું હતું. આ સોદાઓમાં ઓડેરોને જંગી રોકડ મળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter