નાઈરોબીઃ કેન્યાના ડેપ્યૂટી પ્રેસિડેન્ટ વિલિયમ રુટોને ગયા સોમવારે ફ્લાઈટમાં યુગાન્ડા જતા અટકાવવામાં આવ્યા હતા. તેમના સમર્થકોએ તેમને અપમાનિત કરવાનું સરકાર સમર્થિત અભિયાન હોવાનું જણાવ્યું હતું.
તેઓ ગયા હોત તો એક મહિનામાં કમ્પાલાની આ તેમની બીજી ટ્રીપ હોત. તેઓ તેમની ફ્લાઈટ માટે વિલ્સન એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમને હેડ ઓફ પબ્લિક સર્વિસના વડાની પરવાનગી લેવા જણાવાયું હતું. તેમની ફ્લાઈટ કેન્સલ થઈ તે અગાઉ તેમને પાંચ કલાક સુધી રાહ જોવડાવવામાં આવી હતી.
રુટોને દેશ છોડતા અટકાવાયા તે પછી એક ટ્વિટમાં તેમણે જણાવ્યું હતું કે ઠીક છે, આપણે આ બધું ભગવાન પર છોડી દેવું જોઈએ.
રુટો અને તેમના બોસ પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટા વચ્ચે તંગ થયેલા સંબંધો આ ઘટનાથી વધુ તંગ થાય તેમ છે. રુટો પ્રેસિડેન્સીના પ્રયાસની તૈયારી કરી રહ્યા હોવાની અફવા છે. રુટો યુગાન્ડાના નિયમિત મુલાકાતી છે. છેલ્લે તેઓ જુલાઈની શરૂઆતમાં ગયા હતા અને પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીને મળ્યા હતા.