નાઈરોબીઃ ફૂટબોલ કેન્યા ફેડરેશન (FKF) દ્વારા મેચ ફિક્સિંગના આક્ષેપોના પગલે તેના 14 ખેલાડી અને બે કોચને સસ્પેન્ડ કરાયા છે. નેશનલ ફૂટબોલ લીગમાં છેતરપિંડી કરાઈ હોવાની માહિતી મળ્યા પછી ફેડરેશને અભૂતપૂર્વ પગલું લીધું હતું. કેન્યન પ્રીમિયરશિપની વર્તમાન ચેમ્પિયન ટીમ ટસ્કરનામ એક ખેલાડીને પણ સસ્પેન્ડ કરાયો હોવાનું જણાવાય છે.
શુક્રવાર 13 જાન્યુઆરીએ સસ્પેન્ડ કરાયેલા ખેલાડીઓમાંથી છ તો ઝૂ કેરિકો એફસીના છે જેઓ 2021માં ફીફાના ઈન્ટિગ્રિટી યુનિટ દ્વારા મેચ ફિક્સિંગ બાબતે દોષી ઠરાવાયા હતા અને કેન્યન પ્રીમિયર લીગમાંથી હકાલપટ્ટી કરાજ્ઞઈ હતી. ફેડરેશને જણાવ્યું હતું કે ટસ્કરના એક સહિત બધા સસ્પેન્ડ ખેલાડીઓ આ મુદ્દે FIFA અને FKF ઈન્ટિગ્રિટી યુનિટ દ્વારા સત્તાવાર તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ ગણાશે.
ફૂટબોલ કેન્યા ફેડરેશનને મેચ ફિક્સિંગ પ્રવૃત્તિઓમાં વિવિધ ખેલાડી અને કોચ સંકળાયેલા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. ફેડરેશને તેના સભ્યોને સસ્પેન્ડેડ ખેલાડીઓ અને કોચ સાથે કોઈ સંપર્ક નહિ રાખવા સૂચના આપી છે. ફેબ્રુઆરી 2020માં FIFAએ લીગ મેચીસ ફિક્સિંગના આંતરરાષ્ટ્રીય ષડયંત્રના મુદ્દે ચાર કેન્યન ખેલાડી પર પ્રતિબંધ લાગુ કર્યો હતો જેમાંથી એક ખેલાડીને આજીવન પ્રતિબંધિત જાહેર કરાયો હતો. આ જ કૌભાંડમાં પાછળથી પાંચ કેન્યન રેફરીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.