લંડન
કેન્યાની અદાલતે દેશના ઉપપ્રમુખ રિગાથી ગચાગુઆ પર મૂકાયેલા 60 મિલિયન ડોલરનો ભ્રષ્ટાચાર આચરવાના મામલામાં અપુરતા પુરાવાને કારણે કેસ પડતો મૂકવાની મંજૂરી આપી છે. પૂર્વ સાંસદ ગચાગુઆ સહિત 10 લોકો સામે ભ્રષ્ટાચારના આરોપ ઘડાયા હતા. જોકે ગચાગુઆ પોતાની સામે મૂકાયેલા આરોપોને સતત નકારી રહ્યાં હતાં.
ભ્રષ્ટાચાર વિરોધી અદાલતના ન્યાયાધીશ વિક્ટર વાકુમાઇલે ડિરેક્ટર ઓફ પબ્લિક પ્રોસિક્યુશનની અરજીનો સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, આરોપીઓને ચેતવણી આપું છું કે ભવિષ્યમાં આ મામલામાં સમાન આરોપો સાથે તેમની ધરપકડ થઇ શકે છે. આ પહેલાં ડીપીપીએ અદાલત સમક્ષ રજૂઆત કરી હતી કે પુરાવા ન હોવાના કારણે ગચાગુઆ સામેના આરોપો પાછા ખેંચવાની પરવાનગી આપવામાં આવે.
કેન્યામાં નવા ચૂંટાઇ આવેલા પ્રમુખ વિલિયમ રૂટોના સહયોગીઓ સામેના ભ્રષ્ટાચારના કેસ એક એક કરીને પાછા ખેંચવામાં આવી રહ્યાં છે. આ પહેલાં કેબિનેટ સેક્રેટરી એલિશા જુમવા, સામ્બુરુ કાઉન્ટીના પૂર્વ ગવર્નર મોઝિસ લિનોલકુલાલ સામેના ભ્રષ્ટાચારના કેસ પણ પુરાવાના અભાવે પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.