નાઈરોબીઃ કેન્યાના એન્ટ્રેપ્રીન્યોર જેમ્સ મુરિટુ અને તેમની કંપની પ્રોગ્રીન ઈનોવેશન્સ લિમિટેડ પ્લાસ્ટિક વેસ્ટમાંથી ફ્યૂલ બનાવી દરેક પ્રકારની કાર અને એન્જિન ચલાવવામાં ઉપયોગ કરે છે. ઓક્સિજનની ગેરહાજરીમાં પ્લાસ્ટિકને અતિશય ઊંચા તાપમાને ગરમ કરવાની પાયરોલિસિસ પ્રક્રિયા થકી મુરિટુ પ્લાસ્ટિક વેસ્ટને ઓઈલ અથવા હાઈડ્રોકાર્બન પ્રવાહીમાં ફેરવે છે. આ પ્રોસેસની એક આડપેદાશ બાયોચાર છે જેનો ઉપયોગ ફર્નેસિસના બળતણ કરીકે કરાય છે.
જેમ્સ મુરિટુ કહે છે કે.‘અમે બે પ્રકારના વૈકલ્પિક ફ્યૂલનું ઉત્પાદન કરીએ છીએ, પ્રથમ ફ્યૂલ વૈકલ્પિક પેટ્રોલ છે જેનો ઉપયોગ નાનાથી મધ્યમ કદના મશીન્સમાં થાય છે. વૈકલ્પિક ડિઝલ ફ્યૂલનો ઉપયોગ હેવી ડ્યૂટી ડિઝલ એન્જિન્સ, જનરેટર્સ તેમજ વાહનોમાં થાય છે.’ જોકે, મુરિટુનું ફ્યૂલ કેન્યા બ્યૂરો ઓફ સ્ટાન્ડર્ડ્સ દ્વારા બહાલી ન મળવાના લીધે વેચાણ માટે તૈયાર નથી. હાલ તો તેની કંપની દર બે-ત્રણ દિવસે 1,000 લિટર ફ્યૂલનું ઉત્પાદન કરી શકે છે જેમાં ઉપયોગમાં લેવાયેલા 80 ટકા પ્લાસ્ટિક વેસ્ટનું ફ્યૂલમાં રૂપાંતરિત થાય છે. આનો અર્થ એ છે કે દર 300 કિલોગ્રામ (660 પાઉન્ડ) પ્લાસ્ટિક વેસ્ટ રિએક્ટરમાં નાખવામાં આવે છે તેમાંથી 240 લિટર (50 ગેલન) ફ્યૂલ બહાર આવે છે.
સમગ્ર વિશ્વમાં ઓછામાં ઓછાં વાર્ષિક 400 મિલિયન ટનના હિસાબે પ્લાસ્ટિક વેસ્ટની સમસ્યા વધી રહી છે ત્યારે માત્ર 12 ટકા વેસ્ટ બાળી શકાય છે અને 9 ટકાનું રિસાઈકલિંગ થાય છે. કઠણ અને ટકાઉ માળખાના કારણે જે કચરો જમીનપુરાણમાં અથવા કુદરતમાં ભેળવી દેવાય છે તેને ડિકમ્પોઝ થવામાં સદીઓ લાગી જાય છે.