લંડન
દક્ષિણ આફ્રિકા અને કેન્યા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિઝા વિવાદનો અંત આવ્યો છે. બંને દેશના પ્રમુખોએ જણાવ્યું હતું કે, કેન્યાના નાગરિકો એક વર્ષમાં 90 દિવસ માટે વિઝાની કોઇપણ ફી ચૂકવ્યા વિના દક્ષિણ આફ્રિકામાં રોકાણ કરી શકશે. કેન્યામાં દક્ષિણ આફ્રિકાના નાગરિકોને વિના મૂલ્યે વિઝા ઓન એરાઇવલ જારી કરાતો હતો જ્યારે કેન્યાના નાગરિકોને દક્ષિણ આફ્રિકામાં પુરતા નાણા હોવાના પુરાવા અને રિટર્ન ફ્લાઇટ ટિકિટ રજૂ કરવી પડતી હતી. દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાની કેન્યાની પહેલી સત્તાવાર મુલાકાત દરમિયાન નવા કરારની જાહેરાત કરાઇ હતી જે પહેલી જાન્યુઆરીથી અમલી બનશે. બંને દેશના પ્રમુખો દ્વિપક્ષીય વેપાર આડે આવતા અવરોધો દૂર કરવા પણ સહમત થયાં હતાં. કેન્યા અને દક્ષિણ આફ્રિકા આ ખંડના સૌથી મજબૂત અર્થતંત્ર ધરાવતા દેશ છે. કેન્યા અને દક્ષિણ આફ્રિકાએ ઇથિયોપિયા શાંતિ કરારને પણ આવકાર આપ્યો હતો. સંપુર્ણ રાજકીય ઉકેલ શોધી કાઢવા માટે તેમણે તમામ પક્ષકારોને કરારનો સંપુર્ણ અમલ કરવા સલાહ આપી હતી.