નાઈરોબીઃ કેન્યાના આમ્બોસેલી નેશનલ પાર્કમાં મે મહિનામાં એક જ સપ્તાહમાં 10 સિંહની હત્યાથી વનસંપત્તિ અને ક્લાઈમેટ ચેઈન્જ મુદ્દે સિંહ અને માનવી વચ્ચે ખેલાઈ રહેલું વર્ચસ્વનું યુદ્ધ પ્રકાશમાં આવ્યું છે. કેટલાક ક્ષેત્રોમાં માનવ વસાહતો અને પશુધનને ચરવાના વિસ્તારોમાં સિંહની વસ્તી વધી જવાથી સિંહ અને માનવી વચ્ચે સંઘર્ષ વધવાની નકારાત્મક ઘટનાઓ જોવા મળી છે. આના કારણે આર્થિક નુકસાન, માનવજીવન સામે જોખમ અને સંરક્ષણના પડકારો વધ્યા છે.
સિંહના સંરક્ષણ કાર્યક્રમ બિગ લાઈફ ફાઉન્ડેશનના વડા ડેનિયલ ઓલ સામ્બુ કહે છે કે સિંહના વિસ્તારો જોખમ હેઠળ છે. મોટા ભાગના દરેક વિસ્તારોમાં માનવ વસાહતો તેમજ જમાનોના વેચાણખરીદના લીધે માનવ વસ્તી સિંહ અને જંગલી પ્રાણીઓ માટે જોખમી બની રહી છે. શહેરીકરણથી દરેક વિસ્તારોમાં રોડ્સ અને વીજલાઈનો આવી ગઈ છે, વસાહતો વધી રહી છે જેના પરિણામે ઘણા વિસ્તારોમાં જંગલી અને કેટલાક વિસ્તારોમાં ઘાસ અને વનસ્પતિ પર જીવતાં પ્રાણીઓ માટે વિસ્તારો ઘટી રહ્યા છે. લાંબા સમયના વરસાદના અભાવ પછી વરસાદ આવ્યો છે પરંતુ, ઘાસ પર જીવતા પ્રાણીઓ માનવ વસાહતોની નિકટ વધુ જોવા મળે છે. શિકારની શોધમાં રહેતા માંસાહારી પ્રાણીઓ પણ માનવ વસાહતો તરફ ખેંચાવાથી સંઘર્ષ વધ્યો છે. વરસાદના અભાવે સિંહો પશુધનને સાચવતા વાડાઓમાં પહોંચી ઢોરનો શિકાર કરે છે.
ધ વર્લ્ડ સોસાયટી ફોર ધ પ્રોટેક્શન ઓફ એનિમલ્સના જણાવ્યા મુજબ વસવાટની અછત અને ક્લાઈમેટ ચેઈન્જના કારણે જંગલમાં સિંહની સંખ્યા જોખમાઈ છે પરંતુ, સ્થાનિકોના મતે સિંહો ભારે ખતરનાક છે. સરકાર અને બિગ લાઈફ ફાઉન્ડેશન સહિત સંરક્ષણ જૂથો જેમના પશુઓ જંગલી પ્રાણીઓ દ્વારા મારી નખાયા છે તેમને વળતર આપવાની યોજના ચલાવે છે પરંતુ, ગાય-ભેંસ સહિત પાલતુ પશુઓની કિંમત ઘણી વધી જવાથી આવી વળતર યોજના અપૂરતી હોવાનું સ્થાનિકો માને છે અને તેઓ રોષે ભરાઈને સિંહ સહિત જંગલી પ્રાણીઓને ખતમ કરી નાખે છે.