નાઈરોબીઃ જર્જરિત રેલ્વે લાઇનને કારણે રેલસેવા સ્થગિત કર્યાના ૧૦ વર્ષ કરતાં વધુ સમય પછી કિસુમુ સફારી ટ્રેનસેવા ફરી શરૂ કરવામાં આવી હતી. સ્ટેટ કોર્પોરેશનને આશા છે કે જે લોકો ટ્રાફિક જામ અને ઊંચા ચાર્જથી બચવા ઈચ્છે છે તેમને આ ટ્રેન સેવા અનુકુળ આવશે.
ઉહુરુ કેન્યાટાની સરકાર તેના વારસાને મજબૂત કરવા માટેના માળખાકીય પ્રોજેક્ટ્સ હાથ ધરી રહી છે એવા સમયે આ સેવા શરૂ કરાઈ હતી. ટ્રેનને ઉત્સવની સિઝન દરમિયાન તમામ કોચ સંપૂર્ણપણે બુક થઈ જવાની સાથે સારો આવકાર મળ્યો હતો. જોકે ટ્રેન દ્વારા નૈરોબીથી કિસુમુ પહોંચતા૧૨ કલાક લાગે છે. આ લાંબી મુસાફરીને લઈને લોકોના એક વર્ગ દ્વારા નારાજગી નોંધાવવામાં આવી હતી. રોડ દ્વારા નૈરોબીથી કિસુમુ સરેરાશ સાત કલાકમાં પહોંચાય છે.
આ ટ્રેનમાં મુસાફરી કરનારા પ્રથમ મુસાફરોમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અને વિરોધ પક્ષના વડા રાઈલા ઓડિંગાનો સમાવેશ થાય છે. લોકોના એક જૂથ દ્વારા વિરોધ વચ્ચે નિષ્ણાતો દ્વારા આ પગલાંને ટ્રેનની જાહેર છબીને સુધારવાના પ્રયાસ તરીકે જોવાઈ રહ્યું છે.