નાઈરોબીઃ કેન્યાની પબ્લિક હોસ્પિટલ્સના ડોક્ટરોએ સરકાર સાથે ગત બુધવાર 08 મેએ કામ પર પરત ફરવાની સમજૂતી પર હસ્તાક્ષર કરવા સાથે તેમની લગભગ બે મહિનાની રાષ્ટ્રીય હડતાળનો અંત આવ્યો હતો. હડતાળનો અંત આવવાથી આરોગ્ય સેવાઓ માટે સરકારી હોસ્પિટલો પર આધાર રાખતા લાખો કેન્યાવાસીઓને રાહત થઈ છે.
યુનિયનના જનરલ સેક્રેટરી દાવજી એટેલ્લાહે જણાવ્યું હતું કે ઓછું વેતન અને કામકાજની ખરાબ પરિસ્થિતિ સહિતના કારણોસર હડતાળ પડાઈ હતી તેવા મુદ્દાઓનું નિરાકરણ કરાશે તે બાબતે સરકારનો ભરોસો કરવા ડોક્ટરો સહમત થયા હતા. અગાઉ, ગત મંગળવારે લેબર કોર્ટે યુનિયન અને સરકારને કામ પર પરત ફરવાની સમજૂતી સાધવા 48 કલાકની મહેતલ આપી હતી. જો સમજૂતી ન થાય તો કોર્ટ દ્વારા નિર્ણય લેવાશે તે સ્પષ્ટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કેટલીક હોસ્પિટલોએ ઈમર્જન્સી સર્વિસીસ માટે હંગામી ડોક્ટર્સની ભરતી કરવા નિર્ણય લીધો હતો. 2017માં પબ્લિક હોસ્પિટલોના ડોક્ટર્સે 100 દિવસની હડતાળ પાડી હતી જેના પગલે સરકારે વેતન અને કામકાજની સ્થિતિ સુધારવા ખાતરી આપી હતી પરંતુ, તેનો અમલ કરાયો ન હતો.