નાઈરોબીઃ કેન્યાના પૂર્વ પ્રમુખ એમિલિયો સ્ટેન્લી મ્વાઈ કિબાકીનું 90 વર્ષની વયે 22 એપ્રિલના રોજ અવસાન થયું છે. વર્તમાન પ્રમુખ ઉહુરુ કેન્યાટ્ટાએ કેન્યાનાં ન્યાયતંત્ર અને અર્થતંત્રને વેગ આપનારા નેતાની આખરી વિદાયની જાહેરાત કરી હતી. તેઓ ડિસેમ્બર 2002થી એપ્રિલ 2013 સુધી દેશના પ્રમુખપદે રહ્યા હતા.
કિબાકીનો જન્મ તથા ઉછેર ઓથાયા શહેર પાસેના ગયુયૈની ખાતે થયો હતો. શરૂઆતનાં વર્ષો તેમણે ગટુયૈની સ્કૂલ, કરિમા મિશન સ્કૂલ, કરિમા મિશનરી સ્કૂલ તથા માથારી બોર્ડિંગ પ્રાઇમરી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમણે કમ્પાલા, યુગાન્ડાની માકેરેરે યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર, ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેમણે પબ્લિક ફાઇનાન્સ વિષય સાથેલંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી બી.એસસી.ની ડિગ્રી મેળવી હતી. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી ફર્સ્ટ ક્લાસ ઓનર્સ ડિગ્રી સાથે પાસ થનાર તેઓ સૌપ્રથમ આફ્રિકન વિદ્યાર્થી હતા.
કિબાકીએ 1963થી જ કેન્યાના રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ભ્રષ્ટાચાર સામે જંગના વચન સાથે 2002માં ચૂંટાઈ આવ્યા હતા. તેમણે 1965-1969ના ગાળામાં વ્યાપાર અને ઉદ્યોગ મિનિસ્ટર, 1978-1988ના ગાળામાં વાઈસ પ્રેસિડેન્ટ
તરીકે સેવા આપી હતી. તેમના એક દાયકાની સત્તાકાળમાં ભ્રષ્ટાચારનાં કૌભાંડો તથા રાજકીય હિંસાનો દોર ચાલ્યો હતો. ૨૦૦૭ના અંતે તેમની વિવાદાસ્પદ પુનઃચૂંટણીના પગલે દેશના સૌથી મોટા બે સમુદાયો કિકુયુ અને કાલેન્જિન વચ્ચે ભારે હિંસા ફાટી નીકળી હતી, જેમાં 1000થી વધારે લોકોનાં મોત નીપજ્યાં હતાં અને હજારો લોકો બેઘર બન્યા હતા.
2013માં નિવૃત્તિ બાદ તેઓ નાઈરોબીથી 100કિ.મી.ના અંતરે આવેલા નયેરી ખાતે પરિવાર સાથે હતા. જોકે, તાજેતરના સમયમાં તેઓ નાઈરોબીના મુથાઈગા જિલ્લામાં રહેતા હતા. તેમના પરિવારમાં ચાર સંતાનો છે.