નાઈરોબીઃ કેન્યાના ભૂતપૂર્વ વડા પ્રધાન રાઈલા ઓડિંગાએ પ્રમુખપદ માટેના તેમના પ્રયાસ માટે માઉન્ટ કેન્યા ફાઉન્ડેશનનું સમર્થન મેળવ્યું હતું. પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ પણ પહેલી વખત તેમના રાજકીય હરિફ ઓડિંગાને સમર્થન આપવા જાહેર સૂચન કર્યું હતું.
અગાઉની ચૂંટણીઓમાં પોતાને માઉન્ટ કેન્યા ફાઉન્ડેશન તરીકે ઓળખાવતા અમીર બિઝનેસમેનોના ગ્રૂપે પ્રમુખ કેન્યાટા અને તેમની પહેલાના પ્રમુખ મ્વાઈ કિબાકીને સમર્થન આપ્યું હતું. નાઈરોબીની ફાઈવ સ્ટાર હોટલમાં આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં વક્તાઓએ રાઈલા ઓડિંગાની પ્રસંશા કરી હતી.
નાઈરોબીમાં જે વિસ્તારમાં ઓડિંગાની રાજકીય પકડ મજબૂત છે તેવા કિબેરા સ્લમ વિસ્તારની પ્રમુખ કેન્યાટાએ ભૂતપૂર્વ વડા પ્રધાન સાથે સરકારી હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે મુલાકાત લીધી હતી. તેમણે આગામી ચૂંટણીમાં લોકોને યોગ્ય પસંદગી કરવાના અનુરોધ સાથે પોતાના સમર્થનનો સંકેત આપ્યો હતો.
ડેપ્યૂટી પ્રેસિડેન્ટ વિલિયમ રુટો ૨૦૨૨ની પ્રમુખપદની ચૂંટણીની સ્પર્ધામાં બીજા હરિફ છે અને તેમની સામે ટક્કર લેવા માટે ઓડિંગાને માઉન્ટ કેન્યા ફાઉન્ડેશનનું સમર્થન આર્થિક રીતે મદદરૂપ થશે.
છેલ્લાં ચાર વર્ષમાં ચર્ચને ઉદારતાપૂર્વક ડોનેશન અને દેશના વિવિધ ભાગોમાં યુવા ગ્રૂપો માટે ફંડરેઝરમાં તેમના યોગદાનને લીધે હરિફોમાં ચિંતા છે. તેઓ તેમની સંપતિના સ્રોત વિશે સવાલો ઉઠાવી રહ્યા છે.