નવી દિલ્હીઃ કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ સામોએઈ રુટો સોમવારથી ભારતની ત્રિદિવસીય સત્તાવાર મુલાકાતે આવ્યા છે. આ સાથે કેન્યા અને ભારત વચ્ચે દ્વિપક્ષી સંબંધોમાં નવાં પરિમાણો સર્જાયા છે. કેન્યાના પ્રમુખની 6 વર્ષ પછી ભારતની મુલાકાત યોજાઈ છે. મંગળવાર, 5 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રેસિડેન્ટ રુટોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન મોદી અને પ્રેસિડેન્ટ રુટો વચ્ચે હૈદરાબાદ હાઉસમાં યોજાયેલી દ્વિપક્ષી ચર્ચાના પગલે સંયુક્ત પ્રેસ બ્રિફિંગને બંને નેતાએ સંબોધી હતી. પ્રેસિડેન્ટ રુટોએ ભારત અને કેન્યાના લશ્કરી દળો સાથે મળીને કામ કરશે તેવી જાહેરાત કરી હતી જ્યારે વડા પ્રધાન મોદીએ કેન્યાના કૃષિક્ષેત્રના આધુનિકીકરણ માટે 250 મિલિયન ડોલરની મદદની જાહેરાત કરી હતી. ભારત અને કેન્યા વચ્ચે સ્પોર્ટ્સ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને શિક્ષણ સહિતનાં ક્ષેત્રોમાં પાંચ મેમોરેન્ડ્મ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoUs) પર હસ્તાક્ષરની આપ-લે કરવામાં આવી હતી. પ્રેસિડેન્ટ રુટોએ નવી દિલ્હીમાં રાજઘાટની મુલાકાત લઈ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આતંકવાદ માનવતા માટે સૌથી ગંભીર પડકાર છે અને ભારત અને કેન્યાએ કાઉન્ટર-ટેરર સહકારને વધારવા નિર્ણય કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મુંબઈ અને મોમ્બાસાને જોડતો મહાસાગર અમારા સંબંધોનો સાક્ષી છે. તેમણે ભારત-પેસેફિક મહાસાગરમાં સમુદ્રી ચાંચિયા અને અન્ય પડકારોનો સામનો કરવા કરવા સહયોગ વધારવા વિશે પણ જણાવ્યું હતું. વડા પ્રધાને કહ્યું હતું કે કેન્યામાં ભારતીય મૂળના 80,000 લોકો વસે છે અને તેમના માટે કેન્યા બીજું ઘર છે. આ અંગે પ્રેસિડેન્ટે કહ્યું હતું કે અમે ભારતીયોને 2017માં નાગરિકતા આપી છે એટલે કેન્યા તેમનું પ્રથમ ઘર બની ગયું છે.
કેન્યાના પ્રમુખે ભારતની ડિજિટલ પ્રગતિની પ્રશંસા કરતા કહ્યું હતું કે કેન્યાએ ભારત પાસેથી ઘણું શીખવાનું છે અને તેમણે ડિજિટલ આઈડી અને સરકારી સેવાઓના ડિજિટાઈઝેશન વિશે શીખવા કેન્યાના ઈન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન મિનિસ્ટરને ભારત મોકલ્યા છે. તેમણે કહ્યું હતું કે કેન્યા ડિજિટલ ક્ષેત્ર અંગે ભારત સાથે કરાર કરશે. તેમણે ગ્રામ્ય વિકાસ અને ખાસ કરીને કૃષિક્ષેત્રમાં પાર્ટનરશિપ તેમજ પશુ અને માનવીઓ માટે વેક્સિન્સના ઉત્પાદન, જિનોમિક્સના ક્ષેત્રોમાં સહકારની ઈચ્છા પણ દર્શાવી હતી. તેમણે ભારતીય કંપનીઓને કૃષિપ્રવૃત્તિઓને વેગ આપવા એગ્રીકલ્ચર ફાર્મલેન્ડ ઓફર કરવાની તૈયારી પણ દર્શાવી હતી.
ભારત અને કેન્યાને મહાન મિત્રો ગણાવતા પ્રેસિડેન્ટ રુટોએ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કેન્યાને યુપીઆઈ અને આધાર સહિત ફિનટેક ક્ષેત્ર તેમજ હેલ્થ સેક્ટર અને મેડિકલ એક્સપર્ટાઈઝના સહકારમાં વધુ રસ છે.