કેન્યાના પ્રમુખપદની ચૂંટણીમાં ઓડિંગાને ઉહુરુ કેન્યાટાનું સમર્થન

Tuesday 15th March 2022 14:11 EDT
 
 

નાઈરોબીઃ આગામી ઓગસ્ટમાં યોજાનારી ચૂંટણી પહેલા બન્ને પક્ષો એકસાથે થયા છે ત્યારે કેન્યાના પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ નાઈરોબીમાં સમર્થકોની હાજરીમાં તેમના ભૂતપૂર્વ હરિફ રાઈલા ઓડિંગાને દેશના સૌથી ઉચ્ચ ગણાતા પ્રમુખપદના હોદ્દા માટે પોતાના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. તે દ્રશ્યથી કેન્યાટા અને ઓડિંગાએ એકબીજા સાથેના મતભેદો ભૂલાવી દીધા હોવાનું પૂરવાર થતું હતું. તેમણે જણાવ્યું હતું કે તેમણે રાઈલા ઓડિંગાને પસંદ કર્યા છે.

તેમના પક્ષોએ હાથ મિલાવ્યા તેના બે વીક પછી આ પગલું લેવાયું હતું. Azimio la Umoja સૂત્ર (‘એકતા માટેની શોધ’)ના બેનર હેઠળ કેન્યાટાની જ્યૂબીલી પાર્ટી અને ઓડિંગાના ઓરેન્જ ડેમોક્રેટિક મૂવમેન્ટ અન્ય રાજકીય ગ્રૂપ સાથે સંગઠિત થયા હતા.ચૂંટણીઓમાં ઘણી વખત એકબીજાના કટ્ટ્રર હરિફ અને વિરોધી રહેલા આ બે રાજકીય પક્ષ એક થયા હતા.

2018માં કેન્યાટા અને ઓડિંગાએ એકબીજા સાથે હાથ મિલાવીને સમગ્ર દેશને આશ્ચર્યચકિત કરી દીધો હતો અને 2017માં ચૂંટણી પછી થયેલી હિંસા બાદ સંધિની જાહેરાત કરી હતી. તે હિંસામાં ડઝનબંધ લોકો માર્યા ગયા હતા. બંધારણમાં સુધારા કરવાથી વારંવાર થતી ચૂંટણી હિંસાને રોકી શકાશે તેવા દાવા સાથે ઓડિંગા અને કેન્યાટા ધરખમ સુધારાને અમલી બનાવવાના નિષ્ફળ પ્રયાસો કરી ચૂક્યા છે.

77 વર્ષીય રાઈલા ઓડિંગા પીઢ રાજકારણી છે. તેઓ 2008 થી 2013 કેન્યાના વડાપ્રધાનપદે રહ્યા હતા. તેઓ 1997, 2007, 2013 અને 2017 એમ ચાર વખત પ્રમુખપદની ચૂંટણીમાં હાર્યા હતા. પ્રમુખપદ મેળવવા ઈચ્છતા કેન્યાટાના અનુગામી વિલિયમ રુટોને જ્યૂબીલી પાર્ટીમાંથી હાંકી કઢાયા તે પછી આ જાહેરાત થઈ હતી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter