નાઈરોબીઃ કેન્યાની સુપ્રીમ કોર્ટે દેશના પ્રમુખપદે વિલિયમ રુટોના રિપબ્લિક ઓફ કેન્યાના 5મા પ્રેસિડેન્ટ તરીકે વિલિયમની બેન્ચે સર્વાનુમતે પરાજિત ઉમેદવાર રાઈલા ઓડિન્ગા અને અન્યો દ્વારા કરાયેલી અરજીના તમામ આઠ મુદ્દાને ફગાવી દીધા હતા. સુપ્રીમ કોર્ટે સોમવાર, પાંચ સપ્ટેમ્બરના ચુકાદામાં જણાવ્યું હતું કે પ્રમુખપદે ચૂંટાયેલા વિલિયમ રુટોએ કુલ મતના 50 ટકા વત્તા એકની મર્યાદાને હાંસલ કરી હોવાનો તેમને સંતોષ છે અને આથી તેમની ચૂંટણીને માન્ય ઠરાવે છે.
બેન્ચના સભ્યોને જણાયું હતું કે અરજદારો કુલ મતના 50 ટકા વત્તા એકની મર્યાદાની આવશ્યકતા સંદર્ભે પોતાનો પક્ષ મજબૂતપણે દર્શાવી શક્યા નથી. મતપત્રોથી સ્પષ્ટ થાય છે કે પ્રમુખપદે ચૂંટાયેલા ઉમેદવારે કુલ મતના 50 ટકા વત્તા એક મતની જરૂરિયાત પૂર્ણ કરી છે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં એમ પણ ઠરાવ્યું છે કે ઈલેક્ટોરલ કમિશને 9 ઓગસ્ટ 2022ની સામાન્ય ચૂંટણીમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે તેમાં પારદર્શિતા, પ્રામાણિકતા સુરક્ષા અને ચોકસાઈના માપદડો પરિપૂર્ણ થાય છે. કોર્ટે એમ પણ જણાવ્યું કે ઈન્ડિપેન્ડન્ટ ઈલેક્ટોરલ એન્ડ બાઉન્ડરીઝ કમિશન (IEBCનો આંતરિક વિખવાદ પ્રેસિડેન્ટ-ઈલેક્ટ વિલિયમ રુટોના વિજયને રદ કરવાનું યોગ્ય કારણ નથી. ચીફ જસ્ટિસ કૂમેએ જણાવ્યું હતું કે કોઈ પણ ગેરરીતિ એવી વ્યાપક નથી કે આખરી પરિણામ પર તેની અસર પડે.
વિલિયમ રુટો 17 સપ્ટેમ્બરે શપથ લેશે
સુપ્રીમ કોર્ટે વિલિયમ રુટોના વિજયને માન્ય ઠરાવ્યા પછી હવે તમામ ધ્યાન રુટોના પાંચમા પ્રેસિડેન્ટ તરીકે શપથગ્રહણ પર કેન્દ્રિત થયું છે. વિલિયમ રુટો આગામી મંગળવાર 17 સપ્ટેમ્બરે પ્રમુખપદના શપથ લેશે અને તેમના પુરોગામી પ્રમુખ ઉહુરુ કેન્યાટા પાસેથી સત્તાવારપણે સત્તાના સૂત્રો સંભાળશે. વિલિયમ રુટોને 15 ઓગસ્ટે પ્રમુખપદે ચૂંટાયેલા જાહેર કરાયા હતા. પ્રેસિડેન્ટ કેન્યાટાએ એઝિમિઓના નેતા રાઈલા ઓડિન્ગાને ઓગસ્ટ 2022ની ચૂંટણીમાં પોતાના અનુગામી તરીકે સમર્થન જાહેર કર્યું હતું. IEBCના ચેરપર્સન વાફુલા ચેબુકાટીએ રુટોને વિજેતા જાહેર કર્યા હતા પરંતુ, સાતમાંથી ચાર ઈલેક્શન કમિશનરે ગણતરી પ્રક્રિયાના મુદ્દે જાહેરમાં આ પરિણામોને અમાન્ય ગણાવ્યા હતા.
ઓડિન્ગાએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને સ્વીકાર્યો
પરાજિત ઉમેદવાર રાઈલા ઓડિન્ગાએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને સ્વીકારવા સાથે સ્પષ્ટ કર્યું હતું કે તેમનો સંઘર્ષ ચાલુ રહેશે. ઓડિન્ગાએ કહ્યું હતું કે તેઓ કોર્ટના અભિપ્રાયનું સન્માન કરે છે પરંતુ, તેમના નિર્ણય સાથે સર્વથા અસંમત છે. દેશના પ્રમુખ બનવા માટે પાંચમી વખત નસીબ અજમાવી રહેલા ઓડિન્ગાએ કહ્યું હતું કે જજીસે તમામ 9 મુદ્દા પર વિરુદ્ધ મત આપ્યો છે તે અવિશ્વસનીય જણાય છે અને અમારા દાવાને ફગાવી દેવામાં અયોગ્ય ભાષાપ્રયોગ કરાયો છે. રાઈલા ઓડિન્ગાએ ચૂંટણીની ટેકનોલોજી, મતગણતરીમાં ગેરરીતિના આક્ષેપો ઉપરાંત, વિલિયમ રુટોને બહુમત મળ્યાના દાવાને પડકાર્યા હતા. વિલિયમ રુટોને મળેલાં 7.1 મિલિયન મતની સામે રાઈલા ઓડિન્ગાને 6.9 મિલિયન મત મળ્યા હતા.