નાઈરોબીઃ પૂર્વ આફ્રિકામાં કેન્યા પર સૌથી વધુ દેવું હોવા છતાં દેશમાં મિલ્યોનેર્સની સંખ્યા વધતી જાય છે. સ્વીસ ઈન્વેસ્ટમેન્ટ બેંક ક્રેડિટ સુસ્સેના છેલ્લાં ગ્લોબલ વેલ્થ રિપોર્ટ મુજબ દરેક વયસ્કના માથે આશરે ૫૨૩ ડોલરનું દેવું છે. દેશામાં ધિરાણની રકમની ઉચાપત સહિત હાઈ પ્રોફાઈલ સરકારી કૌભાંડોની સંખ્યા પણ વધારે છે. ઉચાપતને લીધે ટેક્સપેયરોના ભોગે કેટલાંક લોકો રાતોરાત મિલ્યોનેર્સ બની ગયા છે.
જોકે, ૨૦૧૯માં નિવાસસ્થાન સાથે ઓછામાં ઓછી ૩૦ મિલિયન ડોલરથી વધુની નેટ વર્થ ધરાવતા કેન્યનોની સંખ્યા ૧૦૬ હતી જે ગયા વર્ષે કોવિડ મહામારીની અસરને લીધે ઘટીને ૯૦ થઈ હોવાનું નાઈટ ફ્રેન્ક વેલ્થ રિપોર્ટમાં જણાવાયું હતું.
આફ્રિકામાં નાઈજીરીયા, સાઉથ આફ્રિકા અને ઈજિપ્ત પછી ચોથા ક્રમે કેન્યામાં સૌથી વધુ સંપતિવાન લોકો વસે છે.
સ્વીસ ઈન્વેસ્ટમેન્ટ બેંકના રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના તાજેતરમાં પ્રકાશિત આ અભ્યાસ મુજબ ૩૩૮ બિલિયન ડોલર ( ફાઈનાન્સિયલ અને નોન – ફાઈનાન્સિયલ) ની કુલ સંપતિ સાથે આ પ્રદેશના ગયા વર્ષના સૌથી વધુ સંપતિવાન કેન્યા પર Ksh ૭ ટ્રિલિયન ($૬૪.૨૨ બિલિયન)નું દેવું છે. કેન્યાની વયસ્ક દીઠ સંપતિ ૧૨,૩૧૩, ડોલર અને વયસ્ક દીઠ સરેરાશ સંપતિ ૩,૬૮૩ ડોલર છે. કેન્યા પછી રવાન્ડાની વયસ્ક દીઠ સંપતિ $૪,૧૮૮, ટાન્ઝાનિયા $૩,૬૪૭, યુગાન્ડા $૧,૯૯૪ છે.