નાઈરોબીઃ વિશ્વના સૌથી મોટા રેફ્યુજી કેમ્પ્સમાંના એક કેન્યાના દાડાબ રેફ્યુજી કોમપ્લેક્સસ્થિત દાગાહાલે હેલ્થ ફેસિલિટીમાં બાળકોની હાલત ઘણી ખરાબ હોવાનું મેડેસિન્સ સાન્સ ફ્રન્ટિયર્સ (MSF) ચેરિટીના અહેવાલમાં જણાવાયું છે. આ ફેસિલિટીમાં દુકાળગ્રસ્ત સોમાલિયામાંથી નિવાર્સિતોનો પ્રવાહ વધતા કુપોષિત દર્દીઓની સંખ્યામાં મુખ્યત્વે બાળકો સહિત 33 ટકાનો વધારો થયો છે. વર્ષ 2022ના છેલ્લા 6 મહિનામાં કેમ્પ્સમાં કુપોષણનો દર 45 ટકા જેટલો વધ્યો છે.
સોમાલિયાના આંતરવિગ્રહથી ભાગતા નિર્વાસિતોના ટ્રાન્ઝીટ કેમ્પ તરીકે ઉત્તર કેન્યાના દાડાબમાં 1991માં રેફ્યુજી કોમ્પ્લેક્સ ખોલાયું હતું. હોર્ન ઓફ આફ્રિકામાં લંબાયેલા સંઘર્ષ અને તે વિસ્તારોમાં ભૂખમરાની કટોકટીપૂર્ણ સ્થિતિના કારણે સપ્ટેમ્બર સુધીમાં 233,000થી વધુ રેફ્યુજીઝ હતા જે તેની ક્ષમતાથી ત્રણ ગણાં છે અને એપ્રિલ 2023 સુધીમાં હજુ 100,000થી વધુ નિર્વાસિતો ઠલવાય તેવો અંદાજ છે. હાલ 800 જેટલા પરિવારો દાડાબ ફેસિલિટીની બહાર પાયાની સુવિધાઓ વિના જ રહે છે.
નિર્વાસિત કેમ્પ અને ઉત્તર કેન્યામાં કોલેરાના કેસીસ વધી રહ્યા હોવાની ચેતવણી MSFદ્વારા અપાઈ છે. ગત ઓક્ટોબર પછી 716 કેસ નોંધાયા હતા. ઈસ્ટ આફ્રિકામાં ગત 40 વર્ષમાં જોવા મળી ન હોય તેવી દુકાળની હાલત સોમાલિયા અને નોર્ધર્ન કેન્યામાં જોવાં મળી છે. સતત છઠ્ઠા વર્ષે વરસાદની સીઝન નિષ્ફળ ગઈ છે જેના પરિણામે, કરોડો લોકો ભૂખમરા અને દારૂણ ગરીબીનો શિકાર બન્યા છે.