નાઈરોબીઃ ઈસ્ટ આફ્રિકાના ઈકોનોમિક એન્જિન ગણાયેલા કેન્યાના શહેરો અને ટાઉન્સમાં વસ્તીવૃદ્ધિનો દર ધીમો પડી રહ્યો છે. તાજેતરના ડેમોગ્રાફિક અને હેલ્થ સર્વે અનુસાર શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બાળજન્મનાં પ્રમાણમાં ભારે તફાવત જોવા મળે છે. શહેરી મહિલાઓ ઓછાં બાળકોને જન્મ આપે છે તેમાં આધુનિક માનસિકતા અને ઘટતી ફળદ્રૂપતા કારણરૂપ છે.
બ્રિટિશ કોલોનાઈઝર્સે 19મી સદીના અંત ભાગમાં વર્ચસ્વ જમાવ્યું ત્યારે કેન્યાની વસ્તી લગભગ એક મિલિયન જેટલી હતી. કેન્યાની સત્તાવાર વસ્તી ગણતરી 1921માં કરાઈ ત્યારે તેની વસ્તી 3 મિલિયનથી ઓછી હતી. કેન્યા 1963માં આઝાદ થયું ત્યારે તેની વસ્તી 9 મિલિયન હતી અને આજે છ ગણી વધીને 55 મિલિયન જેટલા આંકડે પહોંચી છે. યુએનના જણાવ્યા અનુસાર આ દરે વસ્તી વધતી રહેશે તો 2050માં કેન્યાની વસ્તી વધીને 85 મિલિયને પહોંચી જશે.
આમ છતાં, કેન્યામાં ફળદ્રૂપતા દર ઝડપથી ઘટી રહ્યો છે. 1989માં પ્રતિ મહિલા 6.7 બાળક જન્મવાનો દરહતો તે 2022માં ઘટીને પ્રતિ મહિલા 3.4 બાળકનો હોવાનું તાજેતરના ડેમોગ્રાફિક અને હેલ્થ સર્વેમાં જાણવા મળ્યું છે. આ સર્વેમાં શહેરો અને ગામડાં વચ્ચે પણ બાળજન્મમાં ભારે તફાવત જણાય છે. શહેરી મહિલા સરેરાશ 2.8 બાળકને જન્મ આપે છે જેની સરખામણીએ ગ્રામીણ મહિલા 3.9 બાળકને જન્મ આપે છે. ઝડપથી વધી રહેલા મધ્યમ વર્ગમાં તો બે બાળકનું પ્રમાણ સામાન્ય બની રહ્યું છે. સર્વે અનુસાર 57 ટકા પરિણીત સ્ત્રીઓ આધુનિક કોન્ટ્રાસેપ્ટિવ્ઝનો ઉપયોગ કરે છે તેમજ નાઈરોબી નજીકની કાઉન્ટીઝમાં આ પ્રમાણ વધુ છે. ઘણી કેન્યન મુસ્લિમ અને ઈવેન્જિકલ ક્રિશ્ચિયન સ્ત્રીઓ તેમજ ખાસ કરીને સોમાલી મહિલાઓમાં આ પ્રમાણ માત્ર 2 ટકા જેટલું જ છે.
કેન્યાની વસ્તીમાં વંશીય સોમાલી લોકોનું પ્રમાણ લગભગ 6 ટકા જેટલું છે અને ઝડપથી વધતું જૂથ છે. સોમાલી કાઉન્ટીઝની મહિલાઓ સરેરાશ 7થી વધુ બાળકોને જન્મ આપે છે. સતત દુકાળ, સંઘર્ષ અને ગરીબી વધુ છે તેવા ઉત્તર કેન્યામાં આ બાબત સામાન્ય છે. આ ઉપરાંત, લેક વિક્ટોરિયા નજીકના કેટલાક વિસ્તારોમાં કેટલાક જૂથોમાં બહુપત્નીત્વ પણ સામાન્ય છે.