નાઈરોબીઃ કેન્યાના શિક્ષક પોલ વાવેરુ કચરામાં ફેંકાતા જૂના લેપટોપ્સની બેટરીઓ શોધતા ફરે છે અને બાઈક્સ ચલાવવામાં તેનો ઉપયોગ કરે છે. હાઈ સ્કૂલમાં ફીઝિક્સના શિક્ષક અને ‘વેસ્ટમાંથી બેસ્ટ’ કરવામાં માહેર વાવેરુ જૂની મોટરબાઈક્સની ફ્રેમ એકઠી કરે છે અને તેમાંથી એન્જિન કાઢી તેના સ્થાને મોટર અને બેટરી લગાવવાનો જુગાડ કરે છે.
ફીઝિક્સના શિક્ષક પોલ વાવેરુ નાઈરોબીના ડીલર્સ પાસેથી જૂના લેપટોપ્સની બેટરીઓ ખરીદે છે અને પોતાના વર્કશોપમાં લઈ જાય છે. બેટરીઓમાં ચાલતા અને નહિ ચાલતા સેલ અલગ પાડી તેમાંથી અલગ બેટરી બનાવે છે જેનો ઉપયોગ ઈલેક્ટ્રિક મોટરબાઈક્સને પાવર આપવામાં કરે છે. કેન્યામાં કોઈ ઈલેક્ટ્રિક બાઈક્સ વેચતું ન હોવાથી વાવેરુએ એક ઈલેક્ટ્રિક બાઈકની આયાત કરી હતી. થોડા મહિનાઓ પછી તેની બેટરીઝ કામ કરતી બંધ થતાં તેમને કામના સ્થળે જવામાં મુશ્કેલી ઉભી થઈ હતી. તેમણે જૂના લેપટોપ્સની બેટરીઓનો ઉપયોગ કરવાનો નવતર માર્ગ વિચાર્યો અને તેમાં સફળતા મેળવી.
પોલ વાવેરુએ ઈકોમોબિલસ કંપની સ્થાપી છે જે લેપટોપ-બેટરીથી ચાલતી બાઈક્સ વેચે છે. તેઓ જૂની મોટરબાઈક્સ મેળવે છે, તેના એન્જિનો કાઢી તેની જગ્યાએ બેટરી અને મોટર ગોઠવે છે જેનાથી ઈલેક્ટ્રિક બાઈક ચાલે છે. આ બાઈક 60Vના ડાયરેક્ટ કરન્ટ પર ચાલે છે અને 100 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. બેટરીઓના ચાર્જિંગમાં કલાકો લાગે છે પરંતુ, ફાસ્ટ ચાર્જર હોય તો માત્ર 45 મિનિટમાં તેનું ચાર્જિંગ થઈ શકે છે. ફ્યૂલના ભાવ વધતા જાય છે ત્યારે પરંપરાગત મોટરબાઈક્સની સરખામણીએ આ નવતર ઈલેક્ટ્રિક બાઈક વધુ ફાયદેમંદ હોવાનું પોલ વવારુ કહે છે.