નૈરોબીઃ ઉત્તર પૂર્વીય કેન્યામાં ચાર બંદુકધારીએ કોલેજના કેમ્પસમાં ધુસીને ફાઇરિંગ કરીને ઓછામાં ઓછા ૧૪૭ લોકોની હત્યા કરી છે. આ ઉપરાંત ૮૦ લોકો ઘાયલ થયા છે, એમ આ ઘટનાને નજરે જોનારે કહ્યું હતું. સતત ૧૨ કલાક સુધી ચાલેલી અથડામણના અંતે કેન્યાના સુરક્ષા દળોએ અલકાયદા સાથે જોડાયેલા સંગઠ્ઠન શેબાબના ચારેય ત્રાસવાદીઓને ઠાર કર્યા હતા. સલામતી દળોએ સમગ્ર કેમ્પસને ઘેરીને વધુ શોધખોળ પણ શરૂ કરી હતી. આ હુમલો કેન્યામાં ૧૯૯૮માં અમેરિકી દૂતાવાસ પરના હુમલા પછીનો સૌથી ખતરનાક હુમલો ગણાય છે.
ગારિસ્સા યુનિવર્સિટી કોલેજ પર થયેલા આ હુમલમાં બચેલા ૨૧ વર્ષના ઓગ્સ્ટીન અલાગ્ને આ ઘટનાનો ચિતાર આપતાં કહ્યું હતું કે, તેણે વહેલી સવારે જ્યારે તમામ લોકો સુતા હતા ત્યારે તેમના ડોરમેટ્રીઝની બહાર બંદુકની ગોળીઓનો અવાજ સાંભળ્યો હતો. ગોળીબારનો અવાજ વધતો જ ગયો હતો, એમ એણે એક સમાચાર એજન્સીને કહ્યું હતું. આડેધડ થઇ રહેલા ગોળીબારના કારણે અનેક વિદ્યાર્થીઓ પોતાના રૂમની અંદર જ રહ્યા હતા અને કેટલાક સ્થળ છોડી ગયા હતા. એણે ઓછામાં ઓછા પાંચ બુકાનીધારી ગોળીબાર કરતાં જોયા હતા.