નાઈરોબીઃ આફ્રિકાની ચૂંટણીઓમાં વ્યાપક ગેરરીતિઓ અને કાવાદાવાની ફરિયાદો સર્વસામાન્ય છે પરંતુ, કેન્યાની ગત ચૂંટણીમાં પ્રમુખપદના ઉમેદવાર વિલિયમ રુટોના રાજકીય સલાહકારોના ટેલિગ્રામ અને જી-મેઈલ એકાઉન્ટ્સનું હેકિંગ કરાયાનો ઘટસ્ફોટ થતાં સનસનાટી ફેલાઈ છે. ઈઝરાયેલી ડિસઈન્ફોર્મેશન સ્પેશિયાલિસ્ટ ટાલ હાનાનની ‘ટીમ જોરગે’ દ્વારા વર્તમાન પ્રમુખ વિલિયમ રુટોના સહાયકોનું હેકિંગ કરાયું હતું. જોકે, આના કારણે રુટોની ચૂંટણી જીતવા પર કે સત્તાના શાંતિપૂર્વક હસ્તાંતરણ પર કોઈ અસર થઈ ન હતી.
વિલિયમ રુટો સામે ઘણાં ઓછાં માર્જિનથી ચૂંટણી હારી જનારા અઝિમીઓ ગઠબંધનના નેતા રાઈલા ઓડિન્ગાએ જણાવ્યું છે કે ગયા વર્ષની ચૂંટણીમાં ગેરરીતિઓ આચરાઈ હોવાના પૂરાવા હાંસલ કરવા તેમણે ‘એથિકલ હેકર્સ’ની સેવા ભાડે લીધી હતી. દરમિયાન, પ્રેસિડેન્ટ રુટોના વરિષ્ઠ સહાયક ડેનિસ ઈટુમ્બીએ પણ જાહેર કર્યું છે કે ગયા વર્ષની ચૂંટણી અગાઉ તેમનું ટેલિગ્રામ એકાઉન્ટ હેક કરાયું હતું અને ત્માં અકારણ એક્ટિવિટી વધી ગઈ હતી. જોકે, તેમણે ખાસ ધ્યાન આપ્યું ન હતું.
આફ્રિકામાં પ્રમાણમાં નવી લોકશાહી સિસ્ટમ્સ અને સંસ્થાઓને ખોરવી નાખવા ભાડૂતી લોકોની સંડોવણી બહાર આવી છે. ઈઝરાયેલના તેલ અવિવ નજીકથી કામગીરી સંભાળતા ‘ટીમ જોરગે’ના કહેવાતા ચેરમેન ટાલ હાનાને અંડરકવર રિપોર્ટર્સ સમક્ષ બડાશ હાંકી હતી કે કાળા કરતૂતો અને ડિસઈન્ફોર્મેશન સર્વિસિસ થકી તે ચૂંટણીઓ ખોરવી શક્યો હતો. કેન્યાની 2022ની ચૂંટણીઓ અગાઉ હાનાને રાજકીય સલાહકારોના સંદેશાઓ આંતરવા હેકિંગ ટેક્નિક્સના ઉપયોગ થકી પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. હાનાને દાવો કર્યો હતો કે તેણે પ્રમુખપદની ચૂંટણી સ્તરના 33 કેમ્પેઈન્સ પૂરાં કર્યા છે.
ફ્રાન્સની નોન-પ્રોફિટ સંસ્થા ‘ફોરબિડન સ્ટોરીઝ’ના વડપણ હેઠળ રિપોર્ટર્સના આંતરરાષ્ટ્રીય જૂથ દ્વારા હાનાનની કામગીરીનો પર્દાફાશ કરાયો હતા. આ સમયે હાનાને જણાવ્યું હતું કે તેણે કશું ખોટું કર્યું નથી. હાનાને કેન્યામાં કામગીરી માટે તેની સેવા લેવાઈ છે કે તેનો ક્લાયન્ટ કોણ છે તે કદી અંડરકવર રિપોર્ટર્સ સમક્ષ સ્પષ્ટ કર્યું ન હતું. જોકે, ગત વર્ષની 25 જુલાઈએ તેણે પ્રમુખપદના તત્કાલીન ઉમેદવાર વિલિયમ રુટોના ત્રણ રાજકીય સલાહકારોના સંદેશાનું લાઈવ હેકિંગ દર્શાવ્યું હતું. કેન્યામાં 9 ઓગસ્ટે મતદાન યોજાયું હતું.