નૈરોબીઃ વિવાદાસ્પદ ચૂંટણી પરિણામોને લીધે ૨૦૦૮માં વિભાજનની સ્થિતિને પગલે સમગ્ર કેન્યામાં હિંસા ફાટી નીકળી હતી. તેમાં ૧,૨૦૦થી વધુ લોકોનો ભોગ લેવાયો હતો. પૂર્વ આફ્રિકાની આ ટોચની આર્થિક સત્તાને વર્ગવિગ્રહને આરે લાવી દેનારા આ કડવા અનુભવ પરથી કોઈ બોધપાઠ લેવાયો નહીં હોય તો હવે પરિસ્થિતિ તેનાથી પણ વધુ ખરાબ થશે.
છેલ્લાં કેટલાક અઠવાડિયાથી વધી ગયેલા હિંસક દેખાવોને લીધે અધૂરું રહેલું કામકાજ ચર્ચાનો વિષય બન્યું છે. ચૂંટણીનો સમય પાકે તેના એક વર્ષ અગાઉ દેશ ફરીથી કટોકટીની સ્થિતિમાં ધકેલાઈ જશે તેવી ભીતી સેવાઈ રહી છે.
કેન્યાએ કેન્દ્રમાં સત્તાનું કેન્દ્રીકરણ ઘટાડીને નવું બંધારણ અમલી બનાવ્યું છે. પરંતુ, અન્ય વહીવટી સુધારા પડતા મુક્યા છે. ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના અણઘડ સંચાલન અને કેન્યામાં સાક્ષીઓ સાથે થયેલા ચેડાને લીધે માનવતા વિરુદ્ધ ગુનો આચરનારા કોઈની પણ સામે સફળતાપૂર્વક અદાલતી કાર્યવાહી થઈ શકી નથી.
દક્ષિણ આફ્રિકાના જજને ચૂંટણી પદ્ધતિ ખૂબ નબળી લાગી હતી. તપાસ બાદ તેમણે કહ્યું હતું કે સાચા પરિણામો જણાવવાનું જ અશક્ય હતું. હજુ પણ આ પદ્ધતિ ખામીયુક્ત જ છે. ૨૦૧૩માં શંકાસ્પદ મતદાનના વધુ એક તબક્કા બાદ તેની તપાસ કરનારી સુપ્રિમ કોર્ટને પણ ચૂંટણી પદ્ધતિની વિશ્વસનીયતા અંગે ઘણાં પ્રશ્રો છે.
હાલના વિરોધ પ્રદર્શનનું સુકાન સંભાળી રહેલા દેશના પૂર્વ વડા પ્રધાન અને પીઢ વિપક્ષી રાજકારણી રાઈલા ઓડિંગાના નેતૃત્વ હેઠળના વિપક્ષી ગઠબંધનની ચિંતા વાજબી છે. અન્ય બાબતોની સાથે તેઓ ચૂંટણી પંચમાં નવા અને નિષ્કલંક અધિકારીઓની નિમણુંકની માગણી કરી રહ્યા છે. દેખાવોને લીધે રોકાણકારો ગભરાઈ ગયા છે અને અર્થતંત્ર પણ ડામાડોળ થઈ ગયું છે. રાઈલા ઓડિંગા માટે ૨૦૧૭ની ચૂંટણી સંભવિત છેલ્લી જ હશે. ઓડિંગા સામે દેશના સૌથી શક્તિશાળી રાજકીય રાજવંશના ઉહુરુ કેન્યાટ્ટા ઉમેદવાર તરીકે ઉતરશે.