નાઈરોબીઃ ઈસ્ટ આફ્રિકાના આર્થિક એન્જિન કેન્યામાં ટુરિઝમની આવકમાં 2021ની સરખામણીએ 2022માં 83 ટકાનો વધારો નોંધાયો છે. જોકે, કોવિડ-19 અગાઉના આવકના સ્તરે પહોંચી શકાયું નથી. કેન્યા તેના વન્યજીવનના કારણે આફ્રિકા ખંડમાં પર્યટકો માટે આકર્ષણનું સ્થળ છે.
કેન્યાના ટુરિઝમ મિનિસ્ટર પિનિનાહ માલોન્ઝાએ જણાવ્યું હતું કે 2021ની ટુરિઝમ સાથે સંકળાયેલી 146.51 બિલિયન શિલિંગ્સની આવક સામે 2022ના વર્ષમાં આવક વધીને 268.09 બિલિયન શિલિંગ્સ (આશરે 2 બિલિયન યુરો)ની થઈ છે જે, 83 ટકાનો વધારો સૂચવે છે. 2022માં લગભગ 1.5 મિલિયન પર્યટકોએ કેન્યાની મુલાકાત લીધી હતી જે આંકડો 2021 કરતાં 70 ટકા વધુ છે. ઉલ્લેખનીય છે કે કોવિડ મહામારી અગાઉ આશરે 2 મિલિયન પર્યટકોએ કેન્યા આવ્યા હતા. વર્ષ 2022માં અમેરિકાથી સૌથી વધુ 16 ટકા પર્યટકો જ્યારે, યુગાન્ડા (12 ટકા), યુકે (10 ટકા) અને ટાન્ઝાનિયા (10 ટકા)થી આવ્યા હતા.