નાઈરોબીઃ 2012ની બોસ્ટન મેરેથોનમાં ત્રીજા ક્રમે આવેલી કેન્યાની દોડવીર જ્યોર્જિના રોનો પર ડોપિંગ ટેસ્ટ નહિ કરાવવા બદલ ચાર વર્ષનો પ્રતિબંધ લદાયો છે. આઈન્ડહોવન અને ફ્રેન્કફર્ટ મેરેથોન્સમાં પોડિયમ ફિનિશ મેળવી ગયેલી રોનોને 25 જાન્યુઆરી 2027 સુધી પ્રતિબંધિત કરવામાં આવી છે. કેન્યાની એન્ટિ ડોપિંગ એજન્સીએ તેના તમામ રેકોર્ડ્સમાંથી મે 27 પછીના પરિણામો દૂર કરી દીધા છે.
કેન્યાના સત્તાવાળા ગંભીર ડોપિંગ કટોકટીનો સામનો કરી રહ્યા છે અને ઈસ્ટ આફ્રિકન દેશના 50થી વધુ એથ્લીટ્સને હાલ સસ્પેન્ડ કરી દેવાયા છે. ગંભીર સમસ્યાઓનાં કારણે ગત વર્ષના ઉત્તરાર્ધમાં કેન્યન એથ્લેટિક્સ ફેડરેશન સામે સમગ્રતયા પ્રતિબંધ લાદી દેવાય તેવી શક્યતા હતી પરંતુ, કેન્યાની સરકારે એન્ટ-ડોપિંગ પ્રયાસો માટે વધુ ભંડોળ ફાળવવાની ખાતરી આપ્યા પછી નિયંત્રણકારી સંસ્થાએ અતિ સખત પ્રતિબંધને ટાળ્યો હતો.
કેન્યાએ વર્ષ 2000 પછી યુનાઈટેડ સ્ટેટ્સ પછી બીજા ક્રમે રહીને સૌથી વધુ ઓલિમ્પિક મેડલ્સ જીત્યા છે પરંતુ, હવે દેશ તેના એથ્લીટ્સને શિસ્તમાં રાખવાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યો છે.